News of Wednesday, 10th June 2026
કાલથી નર્મદા નહેરોમાં સિંચાઇનું પાણી છોડાશે
નર્મદા કમાન્ડ વિસ્તારના ખરીફ પાક માટે ખૂબજ ઉપયોગી બનશે : ગુજરાત સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ખુશી

ગાંધીનગર, તા. ૧૦: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ સિઝનની શરૂઆત પહેલાં જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને સમયસર વાવણી અને પાકની તૈયારીમાં મોટી મદદ મળશે.
મળતી માહિતી મુજબ કાલે ૧૧ જૂનથી નર્મદા કમાન્ડ વિસ્તારની નહેરોમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પાણી છોડવાના સમયપત્રક કરતાં આ વખતે વહેલો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સમક્ષ વહેલી તકે પાણી છોડવાની માંગણી કરી હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓએ જળસંગ્રહની સ્થિતિ અને ઉપલબ્ધ પાણીના જથ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. પાણીની પૂરતી ઉપલબ્ધતા અને ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નહેરોમાં વહેલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ખરીફ સિઝન દરમિયાન કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને અન્ય પાકોની વાવણી માટે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર રહેતી હોય છે. નર્મદા નહેરોમાં સમયસર પાણી પહોંચતા ખેડૂતોને વાવણીનું આયોજન સરળ બનશે અને પાકના ઉત્પાદન પર પણ સકારાત્મક અસર પડશે. સરકારે સંબંધિત વિભાગોને પાણીના આયોજનબદ્ધ વિતરણ માટે જરૂરી સૂચનાઓ આપી છે. પાણી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે તંત્રને સજ્જ રહેવા પણ જણાવાયું છે.
રાજ્યમાં વરસાદી મોસમની શરૂઆત પહેલા લેવામાં આવેલા આ નિર્ણયને ખેડૂતોમાટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. નર્મદા નહેરો મારફતે મળનારા સિંચાઈના પાણીથી ખેતી કામગીરીને વેગ મળશે અને ખેડૂતોને ઉત્પાદન વધારવામાં મદદ મળશે. ખેડૂતોને હવે ૧૧ જૂનથી નહેરોમાં પાણી મળવાનું શરૂ થતાં ખરીફ પાક માટેની તૈયારી વધુ સુગમ બનશે અને કળષિ ક્ષેત્રને પણ તેનો સીધો લાભ મળશે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
