<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

અમદાવાદના સોલામાં અજાણ્યા વ્યક્તિની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો :એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ

જૂની અદાવત રાખીને ચારેય આરોપીઓએ મળીને મૃતકને લાકડી અને પાઇપ વડે માર માર્યા બાદ બાઇક પર બેસાડી જૂના ડોગ હાઉસ નજીક ખુલ્લી જગ્યાએ લઈ જઈ ફરીથી માર માર્યો . ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું

અમદાવાદના સોલામાં અજાણ્યા વ્યક્તિની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સોલા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સોલા સિવિલ હોસ્પિટલના ઓપીડી ગેટ પાસે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા એક અજાણ્યા પુરુષનું મોત નિપજ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે એક સગીર સહિત 4 આરોપીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જુઓ કોણ છે આરોપીઓ અને શા માટે કરી હત્યા. 

 

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગત 8 જૂનના રોજ ઓપીડી ગેટ આગળથી આશરે 35 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર ગંભીર ઇજાઓ હોવાના કારણે પોલીસે પીએમ બાદ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હત્યાના આરોપી જીતેન્દ્ર રાઠવા, અનિશ પરમાર, વિશાલ પરમારની ધરપકડ કરી છે, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની અટકાયત કરી છે.

 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જીતેન્દ્રના પિતા એક સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મૃતક સોસાયટીના ગેટ પર આવી જીતેન્દ્રના પિતા પાસે પાણી માંગ્યું હતું, જે બાદ કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મૃતકને જીતેન્દ્રના પિતા પર ઈંટ વડે હુમલો કર્યો હતો. આ અદાવત રાખીને ચારેય આરોપીઓએ મળીને મૃતકને લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. આરોપીઓએ માર માર્યા બાદ તેને બાઇક પર બેસાડી કેપિટલ રોડ ઉપર આવેલા જૂના ડોગ હાઉસ નજીક ખુલ્લી જગ્યાએ લઈ જઈ ફરીથી માર માર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

 

પકડાયેલા આરોપીઓમાંથી જીતેન્દ્ર સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગાંધીનગરના ચિલોડા અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અનિશ પરમાર સામે મારામારી અને ગાળો આપવા બાબતે ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતક કોણ છે તેને લઈને પણ વધુ તપાસ શરૂ કરી છે.

 

(9:03 PM IST)