News of Wednesday, 10th June 2026
આણંદ મનપાનું આરોગ્ય વિભાગ જાગ્યું :લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ અને સર્વોદય આઈસ્ક્રીમ સહિતના એકમોને રૂ. 43 હજારનો દંડ ફટકાર્યો
સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારીઓએ કીચન, સ્ટોરેજ એરિયા અને ગ્રાહકોના બેસવાની જગ્યા પર હાઈજીનની તપાસ કરી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આણંદ મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીના જાણીતા એકમો પર અચાનક આકસ્મિક ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારીઓએ કીચન, સ્ટોરેજ એરિયા અને ગ્રાહકોના બેસવાની જગ્યા પર હાઈજીનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ શહેરની જાણીતી લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ, સર્વોદય આઈસ્ક્રીમ અને મસ્તી લસ્સી સેન્ટર જેવા મોટા એકમોમાં ગંદકી અને સ્વચ્છતાનો ઘોર અભાવ જોવા મળ્યો હતો. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનું સામે આવતા અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા હતા.
આણંદ આરોગ્ય વિભાગે સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ ત્રણેય એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરીને કુલ રૂ. 43,000 નો દંડ ફટકાર્યો છે. જેમાં નિયમોના મોટા ભંગ બદલ લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટને રૂ. 22 હજારનો દંડ, જ્યારે સર્વોદય આઈસ્ક્રીમને રૂ. 20 હજારનો ભારે દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસ્તી લસ્સી સેન્ટર પાસેથી પણ નિયમભંગ બદલ રૂ. 1,000 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે કે, સમગ્ર મનપા વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ માટે આ ખાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. તંત્ર દ્વારા તમામ ખાણીપીણીના એકમોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ પોતાના રસોડા અને આસપાસના પરિસરમાં પૂરતું હાઈજીન અને સ્વચ્છતા જાળવી રાખે, અન્યથા ભવિષ્યમાં એકમો સીલ કરવા સુધીની આકરા કાયદાકીય પગલાં લેવામાં આવશે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
