<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

લગ્નના ત્રીજા દિવસે સામે આવ્‍યું પતિનું કાળુ રાઝ !પત્‍નીને એવી ગિફટ આપી કે મામલો સીધો પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો

અમદાવાદમાં ઉત્તરપ્રદેશની શિક્ષિકાએ પતિની શારીરિક ખામી, વાઇબ્રેટર મંગાવવું, દહેજ અને સંતાન દબાણ, ચારિત્ર્ય શંકા અને ઘરેથી કાઢી મુકવા સામે ફરિયાદ કરી

અમદાવાદ,તા.૧૧: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ લગ્ન કર્યા તેના ત્રીજા જ દિવસે પતિ શારીરિક સંબંધ બાંધી શકવામાં અસક્ષમ હોવાની જાણ થતાં તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. આટલું જ નહીં પતિએ પોતાની નબળાઈથી બચવા માટે પત્‍નીને વાઇબ્રેટર મંગાવી આપતા પરિણીતા ક્ષોભજનક સ્‍થિતિમાં મુકાઈ ગઈ હતી. સાસરિયાઓ દહેજ અને સંતાન પ્રાપ્તિ માટે અવારનવાર ત્રાસ આપતા હતા. સસરાએ પરિણીતાને કાઢી મૂક્‍યા બાદ પરત ન લઈ જતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશની ૨૭ વર્ષીય યુવતી એસજી હાઇવે પરની એક સ્‍કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૨૫માં તેણે ખોખરાના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ માસ બાદથી સાસરિયાઓએ બોલાચાલી ઝઘડો કરીને માનસિક ત્રાસ આપવા લાગ્‍યા હતા. યુવતીના સસરા અને નણંદ તારે પ્રાઇવસી જોઈએ તો દહેજમાં ફલેટ લઈ આવ તેમ કહીને ત્રાસ આપતા હતા.

યુવતીએ લગ્ન કર્યા તેના ત્રીજા જ દિવસે પતિને શારીરિક ખામી હોવાની જાણ થઈ હતી. પતિ શારીરિક સંબંધ ન રાખી શકતો હોવાથી તેણે પત્‍ની માટે વાઇબ્રેટર મશીન પણ મંગાવ્‍યું હતું. આ બધું જોઈને પરિણીતા હેબતાઈ ગઈ હતી અને ક્ષોભજનક પરિસ્‍થિતિમાં મુકાઈ ગઈ હતી. બીજીબાજુ પરિણીતાની સાસુ સંતાન પ્રાપ્તિ માટે દબાણ કરતી હોવાથી પરિણીતાએ તેના પતિ સંબંધ ન બાંધી શકતા હોવાની બીમારી વિશે જાણ કરી હતી. ત્‍યારે પરિણીતાની સાસુએ પોતાના પુત્રનો બચાવ કરીને પરિણીતાને જ શારીરિક સમસ્‍યા હોવાનું કહીને ત્રાસ આપ્‍યો હતો.

એક દિવસ પરિણીતાના ઘરે તેનો વિદ્યાર્થી કંકોત્રી આપવા આવ્‍યો ત્‍યારે પણ સાસરિયાઓએ ચારિત્ર્ય પર શંકા રાખીને બોલાચાલી કરી હતી. આટલું જ નહીં સસરાએ કાઢી મૂકતા પરિણીતાને તેનો પતિ પિયરમાં મૂકી ગયો હતો. આજાદિન સુધી પતિ કે સાસરિયાઓ તેને પરત ન લઈ જતા આખરે યુવતીએ આ મામલે સાસરિયાઓ સામે મહિલા પોલીસસ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:00 AM IST)