<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

વલસાડમાં પત્ની પર આડાસંબંધનો વહેમ રાખી મામાના દીકરાની હત્યા

પતિ અને પડોશીએ લાકડાના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી : સારવાર દરમિયાન યુવકનું મોત

વલસાડ શહેરમાં આડાસંબંધના વહેમને કારણે હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધરમપુર ચોકડી નજીક રહેતી એક મહિલા પર તેના મામાના દીકરા સાથે સંબંધ હોવાનો વહેમ રાખી પતિએ હુમલો કર્યો હતો. આ દરમિયાન પડોશીએ પણ હુમલામાં સાથ આપતાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર ચાર રસ્તા નજીક કોચર ફળિયા વિસ્તારમાં રહેતી મહિલાના પતિ ગણેશ વિજય રાજપૂત (મૂળ નિવાસી રાજસ્થાન)ને તેની પત્ની અને મહિલાના મામાના દીકરા વિપુલ બાબુભાઈ નાયકા વચ્ચે આડાસંબંધ હોવાનો વહેમ હતો. આ વહેમને કારણે પતિ અવારનવાર ઝઘડા કરતો હોવાનું સામે આવ્યું છે.
ગત 9 જૂનના રોજ મહિલા બજારમાંથી ઘરનો સામાન લઈ ઘરે પરત આવી હતી અને ઘરકામમાં વ્યસ્ત હતી. તે દરમિયાન પતિ ગણેશ રાજપૂત ઉશ્કેરાઈ ગયો હતો અને વિપુલ નાયકા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડો વધતાં તેણે વાંસના લાકડાથી વિપુલના માથા અને શરીરના ભાગે ફટકા માર્યા હતા.
આ દરમિયાન પડોશી વિપુલ વાઘેલા પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તેણે પણ લાકડાના ફટકા મારી હુમલામાં ભાગ લીધો હતો. બંનેના હુમલાથી વિપુલ નાયકા ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
મહિલા પોતાના મામાના દીકરાને બચાવવા વચ્ચે પડતાં આરોપી વિપુલ વાઘેલાએ તેના પર પણ હુમલો કરી પીઠના ભાગે ફટકા માર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પરિસ્થિતિ ગંભીર બનતાં મહિલાએ નજીક આવેલી હોસ્પિટલના વોચમેન પાસે દોડી જઈ મદદ માગી હતી અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવા વિનંતી કરી હતી.
વોચમેનની જાણ બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ વિપુલ નાયકાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાને લઈને પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ ગણેશ રાજપૂત અને પડોશી વિપુલ વાઘેલા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

(12:01 PM IST)