<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સોનગઢમાં વિધવા મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો:અન્ય સાથે સંબંધ હોવાની શંકામાં પ્રેમીએ ગળે ટૂંપો આપી કરી હત્યા

પોલીસે કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો:બંને સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. હવે માતાની પણ હત્યા થતાં માતા-પિતા બંનેના સ્નેહ અને સહારાથી વંચિત બન્યા

તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા નજીક આવેલી કચરાની ડમ્પ સાઇટ પાસે જંગલની ઝાડીઓમાંથી એક મહિલાની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે સોનગઢ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખતી હોવાની શંકાના કારણે તેના પ્રેમીએ જ તેની હત્યા કરી હતી. આરોપીએ મહિલાને ગળે તેના જ દુપટ્ટાથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા મનિષાબેન ઉર્ફે ચકુ કેતનભાઈ ધાનાણીના પતિનું વર્ષ 2022માં અવસાન થયું હતું. પતિના અવસાન બાદ તેઓ સોનગઢ ખાતે પોતાના ફોઈના દીકરાના ઘરે રહેતા હતા અને વાસણ સાફ કરવા તેમજ ખેતમજૂરી કરીને જીવનનિર્વાહ કરતા હતા.

ઘટનાના દિવસે મનિષાબેન સવારે કામ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડી સાંજ સુધી પરત ફર્યા નહોતા. દરમિયાન રાત્રિના સમયે તેમના ભાઈને એક ફોટોગ્રાફ મારફતે કિલ્લા નજીક મહિલાની લાશ પડેલી હોવાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ત્યાં મનિષાબેનની લાશ ગળાના ભાગે તેમના જ દુપટ્ટાથી ટૂંપો અપાયેલી હાલતમાં મળી આવી હતી. ઉપરાંત કપાળ અને આંખની નીચે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં સોનગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને મહત્વના પુરાવા અને ટેકનિકલ માહિતીના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.

મનિષાબેનના લગ્ન અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા કેતનભાઈ ધાનાણી સાથે થયા હતા. તેમને 20 વર્ષનો દીકરો મિત અને 15 વર્ષની દીકરી જિમીશા છે, જે હાલમાં અમદાવાદમાં રહે છે.

વર્ષ 2022માં પિતાનું અવસાન થતાં બંને સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. હવે માતાની પણ કરૂણ હત્યા થતાં બંને સંતાનો માતા-પિતા બંનેના સ્નેહ અને સહારાથી વંચિત બન્યા છે. આ ઘટનાએ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ રાખી છે

(1:22 PM IST)