<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ગુજરાત પોલીયોથી મુકત, હવે સિકલ સેલ રોગ નાબુદ કરવાનો નિર્ધારઃ પાનસેરિયા

ગાંધીનગરમાં આરોગ્‍ય મંત્રીની અધ્‍યક્ષતામાં દર્દીઓ સાથે સંવાદ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૧: આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ તેમજ રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય મિશનના સંયુક્‍ત ઉપક્રમે, ગાંધીનગર સ્‍થિત સ્‍વર્ણિમ સંકુલ-૨ ના દ્વારકા હોલ ખાતે આરોગ્‍ય રાજ્‍ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્‍યક્ષતામાં ‘સિકલ સેલ એનિમિયા - દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ' યોજાયો હતો.

આ પ્રસંગે આરોગ્‍ય રાજ્‍ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આનુવંશિક રોગોને અટકાવવા માટે જે રીતે લગ્ન સમયે પરંપરાગત કુંડળી મેળવવામાં આવે છે, તે જ રીતે હવે લગ્ન પહેલાં ‘મેડિકલ કુંડળી' એટલે કે સિકલ સેલનું સ્‍ટેટસ- વાહક કે દર્દી તપાસવું અનિવાર્ય છે, જેથી આવનારી પેઢીને આવા પીડાદાયક રોગો વારસામાં ન આવે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વર્ષ-૨૦૦૬માં જ્‍યારે દેશમાં આ રોગ પ્રત્‍યે ઓછી જાગળતિ હતી, ત્‍યારે તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ગુજરાતે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ સ્‍ક્રીનિંગ કામગીરી હાથ ધરીને સિકલ સેલના વાહક અને દર્દીઓનો સચોટ ડેટાબેઝ તૈયાર કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, જો દ્રઢ સંકલ્‍પ અને સામાજિક જાગળતિ હોય તો કોઈ પણ રોગને નાબૂદ કરી શકાય છે. વર્ષ-૨૦૦૭માં ગુજરાતમાં પોલિયોનો છેલ્લો કેસ નોંધાયા બાદ આરોગ્‍ય વિભાગની અથાક મહેનતથી આપણે રાજ્‍યને પોલિયોમુક્‍ત બનાવ્‍યું છે; એ જ રીતે વર્ષ-૨૦૪૭ સુધીમાં સિકલ સેલ પણ ભૂતકાળ બની જશે.

શ્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્‍ય વિભાગની સમગ્ર ટીમને ખૂબ જ સંવેદનશીલતાથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. આ પ્રસંગે સિકલ સેલની બીમારી ધરાવતા બાળકોએ આ રોગની પીડા દર્શાવતું એક ભાવવાહી પેઇન્‍ટિંગ-ચિત્ર મંત્રીશ્રીને ભેટ આપ્‍યું હતું.

આરોગ્‍ય વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ જણાવ્‍યું હતું કે, ગુજરાત હંમેશા આરોગ્‍ય ક્ષેત્રે નવીન પહેલ કરવામાં અગ્રેસર રહ્યું છે અને રાજ્‍યના સિકલ સેલ કાર્યક્રમને વડાપ્રધાનશ્રીએ રાષ્‍ટ્રીય સ્‍તરે ઓળખ અપાવી છે. શીતળા અને પોલિયો જેવા રસીકરણ-વેક્‍સિન આધારિત રોગોની સરખામણીએ સિકલ સેલ જેવા જનીની -જેનેટિક રોગોની નાબૂદી અત્‍યંત પડકારજનક છે. ગુજરાતમાં હાલ અંદાજે ૫.૫ લાખ સિકલ સેલ કેરિયર્સ અને ૩૦,૦૦૦ સક્રિય દર્દીઓ છે.

કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન જાહેર આરોગ્‍યના અધિક નિયામક ડો. નીલમ પટેલે કર્યું હતું, જ્‍યારે આભારવિધિ સંયુક્‍ત નિયામક મલેરિયા ડો. આર.બી. પટેલે કરી હતી.

કાર્યક્રમમાં કમિશનરશ્રી ગ્રામ્‍ય આરોગ્‍ય અને નેશનલ હેલ્‍થ મિશન ડાયરેકટર ડો. રતનકવર ગઢવી ચારણ, ધનવન્‍તરી ટ્રસ્‍ટના સંસ્‍થાપક ડો. અતુલ દેસાઇ સહીત ઉચ્‍ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:15 PM IST)