News of Thursday, 11th June 2026
ભરૂચમાં દિવસદહાડે બનેલી ડબલ મર્ડરની ઘટનાથી ભારે સનસનાટી : સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરપીણ હત્યા કરી : પોતે પણ ગળા પર ચપ્પુના ઘા ઝીંકી આપઘાતનો કર્યો પ્રયાસ
ઘરેલુ કંકાસમાં પહેલા ઘરમાં પુત્રવધૂ અલીફિયાબેનને મોતને ઘાટ ઉતારી, પછી વ્હોરાવાડ જઈ વેવાણ શહેનાઝબેનની કરી હત્યા : DySP એમ.એમ. ગાંગુલી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો : ગંભીર હાલતમાં હત્યારો સસરો સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ

ભરૂચ:ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં ગત રોજ એક હચમચાવી દેનારી ડબલ મર્ડરની લોહિયાળ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, એક વૃદ્ધ વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર પોતાની સગી પુત્રવધૂ અને તેની માતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી બંનેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ દિલધડક ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતે પણ ચપ્પુ વડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બંને મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા:
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઠી વિસ્તારમાં રહેતા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની પુત્રવધૂ અલીફિયાબેન યુસુફભાઈ ઝનોરવાલા તથા વ્હોરાવાડ વિસ્તારમાં રહેતી તેની માતા (વેવાણ) શહેનાઝબેન નમકવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલો એટલો પ્રચંડ હતો કે બંને મહિલાઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું.
બે અલગ-અલગ વિસ્તારમાં જઈને હત્યાઓને અંજામ આપ્યો:
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આરોપી ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ પહેલા કોઠી વિસ્તારમાં આવેલા પોતાના ઘરે પુત્રવધૂ અલીફિયાબેનની હત્યા કરી હતી. ત્યારબાદ તે લોહીિયાળ હથિયાર સાથે વ્હોરાવાડ વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાં રહેતી પુત્રવધૂની માતા શહેનાઝબેન નમકવાલાને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. બંને હત્યાઓ કર્યા બાદ પકડાઈ જવાના ડરથી આરોપીએ પોતાના જ હાથ, પગ અને ગળાના ભાગે ચપ્પુના સપાટા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં પોલીસ બંદોબસ્ત સાથે દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક દ્રષ્ટિએ ઘરેલુ કંકાસ જવાબદાર - DySP એમ.એમ. ગાંગુલી:
આ ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ ભરૂચ 'બી' ડિવિઝન પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ અંગે DySP એમ.એમ. ગાંગુલીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઠી વિસ્તાર અને પારસીવાડ વિસ્તારમાં આવેલા બે અલગ-અલગ મકાનોમાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન બંનેના મોત તીક્ષ્ણ હથિયારથી થયેલા હુમલાના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકો અલીફિયાબેન અને શહેનાઝબેન સગાં માતા-પુત્રી થાય છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઘરેલુ કંકાસના કારણે અલીફિયાબેનના સસરા ઝૈનુલભાઈ અબ્બાસભાઈએ આ હત્યાઓ કરી હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, ઘટનાના ચોક્કસ કારણો જાણવા પોલીસે વધુ વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે.
તબીબ પતિને સંતાનમાં બે દીકરીઓ છે:
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મૃતક અલીફિયાબેનના પતિ ડો. યુસુફ ઝનોરવાલા BHMS ડિગ્રી ધરાવતા હોમિયોપેથી તબીબ છે અને તેઓ કોઠી વિસ્તારમાં 'બુરહાની ક્લિનિક' નામે ફેમિલી ફિઝિશિયન તરીકે વર્ષોથી તબીબી સેવા આપે છે. આ સુખી સંપન્ન દંપતીને સંતાનમાં બે નાની દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે. દિવસદહાડે બનેલી આ સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર ભરૂચ શહેરને હચમચાવી નાખ્યું છે અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા હાલમાં ફોરેન્સિક તપાસ સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ગુના અંગેની સઘન તપાસ આગળ ધપાવવામાં આવી છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
