<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ ડેમ પાસે મસ્તી બની કાળ : કેનાલમાં કાર ખાબકતા 1 યુવકનું મોત, 3નો આબાદ બચાવ

રાજપીપળા નજીક 4 મિત્રો ફરવા ગયા હતા, ચાલકે કાબૂ ગુમાવતા કાર કેનાલમાં પડી, સ્થાનિકો અને પોલીસે 3ને બચાવ્યા : એકનું ડૂબી જવાથી મોત

રાજપીપળા, તા. 12 : નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ ડેમ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 4 મિત્રો કારમાં ફરવા નીકળ્યા હતા ત્યારે મસ્તી કરતા કાર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે અન્ય 3 મિત્રોનો આબાદ બચાવ થયો છે.

પ્રાથમિક માહિતી મુજબ રાજપીપળા પંથકના 4 યુવકો બુધવારે સાંજે કરજણ ડેમ સાઈટ પર ફરવા ગયા હતા. ડેમની કેનાલ પાસે કાર ઉભી રાખી મસ્તી-મજાક કરતા હતા. આ દરમિયાન અચાનક ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો અને કાર સીધી કેનાલના ઊંડા પાણીમાં ખાબકી હતી.

કાર પાણીમાં પડતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. બૂમાબૂમ થતા રાજપીપળા પોલીસ અને ફાયર ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી 3 યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.

જોકે એક યુવક પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. ફાયર ટીમ દ્વારા ભારે શોધખોળ બાદ મોડી રાત્રે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ અને અન્ય 3 યુવકોની વિગત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. ત્રણેયને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે.

રાજપીપળા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

ચોમાસા પહેલા ડેમ-કેનાલ સાઈટ પર જોખમી રીતે ફરવા જનારા યુવાનો માટે આ ઘટના લાલબત્તી સમાન છે. પોલીસે પ્રવાસીઓને પાણીના સ્ત્રોત પાસે સાવચેતી રાખવા અપીલ કરી છે.

(4:49 PM IST)