<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં હાઈ લેવલ ટ્રાફિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ : ચોમાસામાં અકસ્માતો રોકવા અને ખાડા પૂરવા માટે પોલીસ કમિશનર દ્વારા અપાયા કડક આદેશો

સુરત ટ્રાફિક વિભાગના કમિશનર સજન પરમાર સહિત બે નાયબ અને ચાર મદદનીશ પોલીસ કમિશનરોની આગેવાનીમાં ૧૨ પીઆઈ રસ્તાઓ પર ઉતર્યા : મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન કરી મેટ્રો અને વિકાસ કાર્યોની ટ્રાફિક સમસ્યા નિવારવા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન શરૂ

સુરત:વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહેલા સુરત શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે પ્રિ-મોન્સૂન કામગીરીનો સત્તાવાર પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓ અને નાના-મોટા અકસ્માતોને અટકાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ગુરુવારે સાંજે એક હાઈ લેવલ ટ્રાફિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓને ટ્રાફિક અવેરનેસ અને ચોમાસાની આગોતરી તૈયારીઓ અંગે વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા લેવાયેલી આ હાઈ લેવલ મીટિંગમાં તમામ ટ્રાફિક અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કમિશનરે કડક સૂચના આપી છે કે સુરત શહેરના રસ્તાઓ પર જ્યાં પણ નાના-મોટા ખાડા પડ્યા હોય અને વાહન ચાલકોને પરેશાની થતી હોય, તે તમામ જગ્યાઓના તાત્કાલિક ફોટોગ્રાફ્સ પાડવાના રહેશે. ટ્રાફિક પોલીસે આ લોકેશનની વિગતો મેળવીને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સીધું સંકલન સાધવાનું રહેશે અને યુદ્ધના ધોરણે આ ખાડા પૂરવાની કામગીરી કરાવવાની રહેશે, જેથી કરીને ચોમાસામાં કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત ન થાય.
ખાસ કરીને વરસાદી સીઝન દરમિયાન જે રસ્તાઓ અને ખાડાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, ત્યાંથી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે મહાનગરપાલિકાના તંત્ર સાથે મળીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત, સુરત શહેરમાં હાલ ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટ અને અન્ય વિકાસલક્ષી કાર્યોને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ હોવાથી અથવા ડાયવર્ઝન હોવાના લીધે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મેટ્રો કામગીરીવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે પોલીસ તંત્ર વિશેષ તકેદારી રાખી રહ્યું છે.
આ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનને ગ્રાઉન્ડ લેવલ પર સફળ બનાવવા માટે સુરત શહેરના ટ્રાફિક વિભાગના કમિશનર સજન પરમાર સત્તાવાર રીતે એક્શન મોડમાં આવ્યા છે. તેમની સીધી દેખરેખ હેઠળ ટ્રાફિક વિભાગના બે નાયબ પોલીસ કમિશનર (DCP) અને ચાર મદદનીશ પોલીસ કમિશનર (ACP) તેમજ ૧૨ પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) દ્વારા શહેરના અલગ-અલગ મુખ્ય માર્ગો અને સંવેદનશીલ ચાર રસ્તાઓ પર રૂબરૂ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતના નાગરિકોની સુવિધા માટે તમામ ટ્રાફિક કર્મચારીઓને ચોમાસા દરમિયાન ખડેપગે રહીને ફરજ બજાવવા આદેશ આપવામાં આવ્યા છે.

(7:25 PM IST)