<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

માત્ર 17 વર્ષની વયે પાદરાની દીકરી વિધિ પરમારની ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી;પરિવારમાં ખુશીનો માહોલ

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક સદસ્યો તેમજ સોસાયટીના રહીશો દ્વારા વિધિનું ભવ્ય સ્વાગત કરાયું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકા માટે અત્યંત ગર્વની ક્ષણ સામે આવી છે. પાદરાની પ્રતિભાશાળી દીકરી વિધિ હસમુખ પરમારની ભારતીય અન્ડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. માત્ર 17 વર્ષની વયે આ સિદ્ધિ હાંસલ કરનાર વિધિ હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે. પોતાની મહેનત અને લગનના જોરે તેણે ક્રિકેટના મેદાનમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

 

આગામી 30 જૂનથી શ્રીલંકા સામે શરૂ થનારી વનડે ક્રિકેટ સીરિઝ માટે વિધિ પરમારને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ પાદરા પંથકમાં આનંદની લહેર દોડી ગઈ હતી. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક સદસ્યો તેમજ સોસાયટીના રહીશો દ્વારા વિધિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફટાકડા ફોડી અને આતશબાજી કરીને આશાસ્પદ ક્રિકેટર પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

 

 

વિધિની આ સફળતા માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર વડોદરા જિલ્લા માટે ગૌરવરૂપ છે. હવે સૌની નજર શ્રીલંકા સામેની સીરિઝ પર ટકેલી છે, જ્યાં વિધિ પરમાર દેશનું નામ રોશન કરશે.

(11:46 PM IST)