<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ગોધરાની સિંગલ ફળિયા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી :12 આરોપીઓની ધરપકડ બાદ આરોપી ખાલીદનું પાકિસ્તાન કનેક્શન બહાર આવતા ખળભળાટ

પાકિસ્તાન કનેક્શન બહાર આવતા આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ ગયો:2019 થી 2025 દરમિયાન થયેલા 31 ગંભીર ગુનાઓ અને ટ્રેન દુર્ઘટના સર્જવાના પ્રયાસો પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરવા 12 સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે

 

ગોધરાની કુખ્યાત ‘સિંગલ ફળિયા ગેંગ’ વિરુદ્ધ રેલવે પોલીસે કડક કાર્યવાહી કરીને 12 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે ‘ગુજસીટોક’ (GUJCOC) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગેંગના સભ્યોની ધરપકડ બાદ જે ખુલાસાઓ થયા છે, તેણે તપાસ એજન્સીઓના હોશ ઉડાવી દીધા છે. આ ગેંગનો મુખ્ય આરોપી ખાલીદ વારંવાર પાકિસ્તાન જતો હોવાનું સામે આવતા હવે કેન્દ્રીય અને રાજ્યની મળીને કુલ 12 જેટલી સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપી ખાલીદ પોતાના પરિવાર સાથે અત્યાર સુધીમાં 4 વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યો છે. સુરક્ષા એજન્સીઓ હાલ તેના પાકિસ્તાન પ્રવાસના દસ્તાવેજો અને ત્યાં તે કોને મળ્યો હતો તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ગેંગની દેશવિરોધી ગતિવિધિઓ પાછળ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.

આ ગેંગનો ગુનાહિત ઈતિહાસ વર્ષ 2019 થી શરૂ થઈને 2025 સુધીનો છે, જેમાં તેમણે કુલ 31 ગંભીર ગુનાઓને અંજામ આપ્યો છે. જેમાં ટ્રેન દુર્ઘટના સર્જવાનો પ્રયાસ, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવું અને વિવિધ પ્રકારની તસ્કરીના ગંભીર આક્ષેપો સામેલ છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા તમામ 12 આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

(12:21 AM IST)