<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ: ગુજરાત એક મજબૂત અને સર્વસમાવેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે દેશભરમાં અગ્રેસર : ગુજરાતમાં આજે 19,000થી વધુ DPIIT માન્ય સ્ટાર્ટઅપ્સ કાર્યરત, સતત પાંચ વર્ષોથી કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં “બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ”

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) હેઠળ 13,047થી વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને PoC સ્તરે સહાય, 4000થી વધુ IPR ફાઇલ કરવામાં આવ્યા : i-Hub દ્વારા 750 જેટલા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, ઇન્ક્યુબેશન અને નાણાકીય સહાય, આ સ્ટાર્ટઅપ્સ દ્વારા 4,000થી વધુ રોજગારીઓનું સર્જન : મહિલા ઉદ્યોગસાહસિકો માટેની WEstart પહેલ હેઠળ 269 મહિલા-સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય

ગાંધીનગર તા.૧૨ :  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી માને છે કે, ‘જ્યારે યુવાનોના વિચારોને યોગ્ય પ્લેટફોર્મ, નીતિગત સહયોગ અને સંસાધનો મળે છે, ત્યારે તેઓ રાષ્ટ્ર નિર્માણના સૌથી મોટા ભાગીદાર બની શકે છે’. આ જ વિચારધારા સાથે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જેના થકી લાખો યુવાનોને ‘જોબ સીકર’માંથી ‘જોબ ક્રિએટર’ બનવાની પ્રેરણા મળી છે. 

 

ઉલ્લેખનીય છે કે, 26 મે, 2026ના રોજ શ્રી નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના 12 વર્ષ પૂરાં થયા છે. આ 12 વર્ષો દરમિયાન દેશમાં નવી ઉદ્યોગસાહસિક સંસ્કૃતિનું નિર્માણ થયું છે, અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત બની છે. તેમના નેતૃત્વના ગત 12 વર્ષો દરમિયાન ગુજરાતે પણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર હોવાની સાથે જ, દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પણ ઉભરી આવ્યું છે.

 

ગુજરાત આજે 19,000થી વધુ DPIIT માન્ય સ્ટાર્ટઅપ્સ સાથે દેશમાં અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં ગુજરાત સતત પાંચ વર્ષોથી ‘બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ’ રહ્યું છે, જે દર્શાવે છે કે સહાયક નીતિઓ અને યોજનાકીય પહેલો થકી રાજ્યમાં એક મજબૂત અને સર્વસમાવેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો વિકાસ કરવામાં આવ્યો છે.

 

 

 

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) હેઠળ 13,047થી વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને પ્રૂફ ઑફ કોન્સેપ્ટ (PoC) સ્તરે સહાય

 

 

 

રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમજ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન થકી યુવાનોની સર્જનાત્મક ક્ષમતાઓને વિકસિત કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) વર્ષ 2017-18થી પાંચ વર્ષ માટે જાહેર કરવામાં આવી હતી. તેને મળેલી અભૂતપૂર્વ સફળતાના પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વર્ષ 2022માં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) 2.0 લોન્ચ કરવામાં આવી. આ પોલિસી અંતર્ગત નવા ક્ષેત્રો સાથે પરંપરાગત અને નવા યુગની ટેક્નોલોજી સાથે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, SSIP 1.0 અને 2.0 હેઠળ અત્યારસુધીમાં 13,047થી વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને પ્રૂફ ઑફ કોન્સેપ્ટ (PoC) સ્તરે સહાય આપવામાં આવી છે, જ્યારે 4,043થી વધુ IPR (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ) ફાઇલ કરવામાં આવ્યા છે. SSIP અંતર્ગત કુલ 3,287થી વધુ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, ઇન્ક્યુબેશન સહાય આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશનને આર્થિક સહાયતા માટે SSIP ગ્રાન્ટી સંસ્થાઓ દ્વારા ₹36.43 કરોડના SSIP ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં, SSIP 1.0 અને 2.0 હેઠળ  પોલિસી અમલી બન્યાથી અત્યારસુધીમાં જાગૃતિ અભિયાન થકી 22.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ્સ અંગે માર્ગદર્શન આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. 

વધુમાં, અત્યારસુધીમાં શાળાના વિદ્યાર્થીઓના 1948થી વધુ સ્ટાર્ટઅપ પ્રસ્તાવો SSIP 2.0 પોર્ટલ પર રજીસ્ટર થયા છે, જેમાંથી લગભગ 1141 વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. 

SSIP આજે શાળા સ્તરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન, મેન્ટરશિપ, નાણાકીય સહાય અને બજાર સાથે જોડાણ જેવી સર્વગ્રાહી સુવિધાઓ પ્રદાન કરીને ગુજરાતમાં ઇનોવેશન સંસ્કૃતિને મજબૂત બનાવી રહી છે.

 

 

 

i-Hub: ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું મુખ્ય કેન્દ્ર, 750 જેટલા સ્ટાર્ટઅપ્સને સીધી સહાય

 

 

સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત રચાયેલ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) આજે રાજ્યની ઇનોવેશન ઇકોસિસ્ટમનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. i-Hub એ રાજ્યમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ માટે કાર્યરત સૌથી મોટી સુવિધા છે, જ્યાં સિંગલ વિન્ડો સપોર્ટ સિસ્ટમ થકી કાયદાકીય, નાણાકીય, તકનીકી તેમજ આયોજનલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે જોડાયેલ કેન્દ્રિયકૃત હબ સ્થાપિત કરીને, i-Hub સ્ટાર્ટઅપ્સને પ્રિ-ઇન્ક્યુબેશન, ઇન્ક્યુબેશન અને પ્રવેગક તબક્કાઓમાં તેમના વિચારો, ઉત્પાદન અને રોકાણની જરૂરિયાતો માટે સહાય પૂરી પાડે છે.

i-Hubની સ્થાપના વર્ષ 2019માં કરવામાં આવી હતી, અને અત્યારસુધીમાં તેના અંતર્ગત 750 જેટલા સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ અને ઇન્ક્યુબેશન સપોર્ટ તેમજ નાણાકીય સહાય આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ યોજના અંતર્ગત 400થી વધુ સ્ટાર્ટઅપ્સને ₹28 કરોડની સહાય પ્રદાન કરવામાં આવી છે. i-Hub ના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ દ્વારા રાજ્યમાં આશરે 4000થી વધુ રોજગારીઓનું સર્જન થયું છે, જ્યારે આ સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ વેલ્યૂ અંદાજે ₹3,569 કરોડ સુધી પહોંચી છે.

i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સને ₹446 કરોડથી વધુનું ખાનગી ભંડોળ વિવિધ વેન્ચર ફંડ્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સાથે, i-Hub એ 20થી વધુ જિલ્લાઓમાં હબ-એન્ડ-સ્પોક મોડલ દ્વારા પહોંચ વધારી છે અને 4.5 લાખથી વધુ યુવાનોને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે જાગૃત કર્યા છે.

(2:25 PM IST)