હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિકસિત પોરબંદર તરફ વધુ એક પગલું: 13 જૂને 'વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્ક સમિટ : મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહેશે
IKEA, Hettich સહિત દેશ-વિદેશની 50થી વધુ કંપનીઓ ભાગ લેશે, ભારવાડા ખાતે સૂચિત પાર્ક સ્થળનું 14 જૂને નિરીક્ષણ થશે

ગાંધીનગર, તા. 12 : પોરબંદરને વૈશ્વિક સ્તરના ફર્નિચર ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલરૂપે આગામી 13 જૂન, 2026ના રોજ "વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ"નું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપનાની સંભાવનાઓ, વિકાસ માટેના માર્ગદર્શન અને ભવિષ્યની વ્યૂહાત્મક કવાયત અંગે ઉદ્યોગજગત સાથે વિસ્તૃત ચર્ચા આ સમિટમાં થશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના લોકસભા સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયા તથા ગુજરાત સરકારના મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.
ફર્નિચર ઉત્પાદન અને સંલગ્ન ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો તથા વ્યાપારિક મંડળોના પ્રતિનિધિઓ સહિત રાજ્યભરમાંથી 50થી વધુ પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
વિવિધ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સંસ્થાઓ તથા પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. જેમાં અમદાવાદ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના પ્રતિનિધિ સ્ટીવ હીકલિંગ, IKEA, Dato Sanso, Hettich, Merino, Royal Touch Laminates, Medoc અને Aemor સહિત ગુજરાત ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન, ગુજરાત ટિમ્બર ઓક્શન એસોસિએશન, ગુજરાત ગ્રીન ઇકોનોમિક ચેમ્બર તથા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ સામેલ છે.
*સરકારી વિભાગોની ભાગીદારી:*
ફર્નિચર પાર્કની સંભવિત સ્થાપના માટે સંકલિત અભિગમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, બંદર વિભાગ સહિત સ્થાનિક વહીવટી કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લેશે અને જરૂરી રૂપરેખા પ્રસ્તુત કરશે.
*સ્થળ નિરીક્ષણ 14 જૂને:*
સમિટમાં ભાગ લેનાર દેશ-વિદેશના પ્રતિનિધિઓ 14 જૂન, 2026ના રોજ પોરબંદર નજીક ભારવાડા ખાતે ફર્નિચર પાર્ક માટે સૂચિત સ્થળોની મુલાકાત લેશે. પ્રોજેક્ટની સંભાવનાઓનું મૂલ્યાંકન અને સ્થાનિક સ્તરે વિકસવાની થતી માળખાકીય સુવિધાઓનું અવલોકન કરવામાં આવશે. આ અવસરે પોરબંદરની આગવી મહેમાનગતિ અને સૌરાષ્ટ્રની કલા-સંસ્કૃતિનો પરિચય કરાવવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.
આ સમિટ પોરબંદરમાં ફર્નિચર ક્ષેત્રમાં રોકાણ, રોજગારીની નવી તકો, સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ઇકોસિસ્ટમના નિર્માણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
