<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ડીજીપીના અધ્યક્ષ સ્થાને બેઠકમાં નિર્ણય :ખાનગી CCTV પોલીસ સાથે જોડાશે:વ્યાજખોરો સામે ઝુંબેશ ચાલુ રહેશે :બોડી વોર્ન કેમેરા ફરજિયાત

અંદાજે 2 કલાક સુધી ચાલેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા અને "મિશન બેટર પોલિસિંગ" અંતર્ગત અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને પ્રજાલક્ષી પોલીસિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અંદાજે 2 કલાક સુધી ચાલેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા અને "મિશન બેટર પોલિસિંગ" અંતર્ગત અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ બેઠકમાં રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને વધુ અભેદ્ય બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત હવેથી વિવિધ વિસ્તારોમાં લાગેલા ખાનગી CCTV કેમેરાને પણ પોલીસની કંટ્રોલ રૂમ સિસ્ટમ સાથે સાંકળવામાં આવશે. આ ઉપરાંત, પોલીસની કામગીરીમાં પારદર્શિતા વધારવા અને ફરજ દરમિયાન સચોટ મોનિટરિંગ માટે પોલીસ કર્મચારીઓ માટે 'બોડી વોર્ન કેમેરા' પહેરવા ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે.

જનતાને રંઝાડતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતાં DGPએ આદેશ આપ્યો છે કે, રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી કડક ઝુંબેશ સતત ચાલુ રહેશે. કોઈપણ ગુનાહિત ઘટનામાં નાગરિકોની સુરક્ષા માટે ત્વરિત FIR નોંધીને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવા તમામ પોલીસ વડાઓને કડક સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં પોલીસ કર્મચારીઓના કલ્યાણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પોલીસ પરિવારો માટે રહેણાંક ક્વાર્ટર્સની મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.

(7:36 PM IST)