હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક દાવા સામે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનો વિરોધઃ ધાર્મિક શબ્દો પર એકાધિકાર અસ્વીકાર્ય
ભગવાન પર ભક્તોનો અધિકાર, તમામ નોંધણીની વિગતો જાહેર કરોઃ હેમાંગ રાવલ

રાજકોટ તા.૧૩: વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે તાજેતરમાં ‘‘કિંગ ઓફ સાળંગપુર'' પ્રતિમા, ધાર્મિક પ્રતિકો, નામો અને પ્રસાદ માટે કોપિરાઇટ-ટ્રેડમાર્ક મેળવ્યાની જાહેરાત બાદ વિરોધ નોંધાવ્યો છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યુ છે કે, હનુમાનજીના ‘‘કષ્ટભંજન'', ‘‘સંકટમોચન'', ‘‘બજરંગબલી'' જેવા સદીઓ જૂના વિશેષણો, મૂર્તિઓ અને પ્રસાદ કરોડો હિંદુઓની સામૂહિક આસ્થા છે. સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે ખાનગી જાગીર નથી.
જો આજે આવા શબ્દો પર દાવો થશે તો આવતીકાલે ‘‘વિઘ્નહર્તા'', ‘‘ભોળેનાથ'', ‘‘ગોપાલ'' જેવા શબ્દો પર પણ દાવા થઈ શકે. દેશ-વિદેશમાં હજારો મંદિરો, મૂર્તિકારો, પ્રકાશકો અને ભક્તોને કાનૂની મુશ્કેલી પડશે. પ્રસાદ ભક્તિનું પ્રતીક છે, કોમર્શિયલ પ્રોડક્ટ નહીં.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે વધુમાં જણાવ્યુ છે કે, ૨૦૨૩માં ‘‘કિંગ ઓફ સાળંગપુર'' પ્રતિમાના પેડેસ્ટલ પરના ચિત્રોને લઈને વ્યાપક વિરોધ થયો હતો, બાદમાં ચિત્રો દૂર કરવામાં આવ્યા હતા. આજે ફરી એ જ ચિંતા જાગી છે કે સનાતન પરંપરાઓને એક સંસ્થાના નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.કલમ ૨૫-૨૬ મુજબ ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરા પાલનનો મૂળભૂત અધિકાર છે. ટ્રેડમાર્ક એક્ટ ૧૯૯૯ની કલમ ૯(૨)(b) ધાર્મિક લાગણી અંગે સંવેદનશીલતા માંગે છે. સુપ્રીમ કોર્ટે પણ ધાર્મિક વારસાના નામો અંગે સાવધાની રાખવા કહ્યું છે.
ટ્રસ્ટ પાસે તમામ ટ્રેડમાર્ક-કોપિરાઇટ નંબર, અરજીની નકલ, ચોક્કસ શું નોંધાયું છે તેની સ્પષ્ટતા, ભક્તો-અન્ય મંદિરો-મૂર્તિકારોના ઉપયોગ પર અસર નહીં થાય તેની ખાતરી, ખર્ચની વિગતો અને ટ્રસ્ટી ઠરાવોની નકલ માંગવામાં આવી છે.
સંસ્થાએ સ્પષ્ટ કર્યું કે વિરોધ કોઈ વ્યક્તિ કે મંદિર સામે નથી, પરંતુ સનાતન ધર્મના સામૂહિક વારસા પર એકાધિકારવાદી દાવા સામે છે. જો જાહેર હિતને અસર થતી જણાશે તો ટ્રેડમાર્ક રજિસ્ટ્રી, ચેરિટી કમિશનર અને કોર્ટ સુધી કાનૂની લડત લડવામાં આવશે તેમ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે (મો.૯૨૨૭૭ ૭૪૫૪૫) જણાવ્યુ હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
