<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

અસહ્ય ઉકળાટ વચ્‍ચે મેઘરાજાનું કાઉન્‍ટડાઉન શરૂઃગુજરાતના અમુક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે ધમાકેદાર પ્રી-મોન્‍સૂન એન્‍ટ્રીની વકી!

પૂર્વોત્તર તરફ ફંટાયેલું ચોમાસું ફરી લાઇન પર આવશે, આગામી ૪૮ કલાકમાં વાતાવરણ પલટાશે અને અસહ્ય બફારામાંથી મુક્‍તિ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી અને સામાન્‍ય કરતાં ૩ ડિગ્રી ઊંચા તાપમાનને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે, પરંતુ હવે આ અસહ્ય ઉકળાટના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે. હવામાન વિભાગ  તાજા અપડેટ મુજબ, પૂર્વોત્તરના રાજયો તરફ ફંટાયેલું નૈઋત્‍યનું ચોમાસું ફરી એકવાર સાનુકૂળ સિસ્‍ટમ્‍સ સક્રિય થતાં મહારાષ્ટ્રથી આગળ વધવા માટે તૈયાર થયું છે. આગામી ૪૮ થી ૭૨ કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની પ્રબળ શક્‍યતા છે.

હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, ભલે ચોમાસું સત્તાવાર રીતે થોડું મોડું પડે, પરંતુ તે પહેલાં રાજયમાં તેજ પવન અને કડાકા-ભડાકા સાથે પ્રી-મોન્‍સૂન એક્‍ટિવિટી જોર પકડશે. ખાસ કરીને વલસાડ,નવસારી, વાપી, તાપી સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્‍તારો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ ત્રાટકી શકે છે.

બીજી તરફ, જાણીતા હવામાન વિશ્‍લેષક અંબાલાલ પટેલે પણ રાજયના ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્‍યા છે. તેમના જણાવ્‍યા મુજબ, ૧૫ થી ૨૦ જૂન વચ્‍ચે રાજયના જુદા જુદા ભાગોમાં ધૂળની ડમરીઓ અને તેજ પવન સાથે આંધી-તોફાનનું સામ્રાજય રહેશે, જે વાતાવરણને ઠંડું કરશે. ત્‍યારબાદ, ૨૩ થી ૨૬ જૂન વચ્‍ચે ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં સક્રિય થઈ જશે અને મેદ્યરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરશે

(2:46 PM IST)