તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ : ટેકાના ભાવે વિક્રમી ખરીદીથી ગુજરાતના લાખો ખેડૂતો બન્યા આત્મનિર્ભર
છેલ્લા ૧૦ વર્ષમાં ₹૬૫,૫૭૦ કરોડના મૂલ્યની ૧.૦૫ કરોડ મેટ્રિક ટન કૃષિ ઉપજની ખરીદી કરાઈ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ૪૮.૯૮ લાખથી વધુ ખેડૂતોને મળ્યો સીધો લાભ

ગાંધીનગર: એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદી વ્યવસ્થામાં કરાયેલા સુધારાઓએ ગુજરાતના લાખો ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ "ખેતી ખર્ચના દોઢ ગણા ભાવ" આપવાની નીતિ અમલમાં આવતા ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ખેતી વધુ નફાકારક બની છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ટેકાના ભાવે ખરીદીની યોજનાને વધુ વ્યાપક બનાવી છે.
**૧૦ વર્ષના મુખ્ય આંકડા એક નજરે**
ગ્રાઉન્ડ રિપોર્ટ અને સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા ૧૦ વર્ષમાં ટેકાના ભાવે કુલ ₹૬૫,૫૭૦ કરોડની ખરીદી થઈ છે, જેમાં કુલ ૧.૦૫ કરોડ મેટ્રિક ટન ઉપજ ખરીદવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૪૮.૯૮ લાખથી વધુ લાભાર્થી ખેડૂતો નોંધાયા છે. વાર્ષિક લાભાર્થી ખેડૂતોની સંખ્યા ૨ લાખથી વધીને ૧૪ લાખ સુધી પહોંચી ગઈ છે, જ્યારે ખરીદીના કુલ મૂલ્યમાં ૧૩ ગણો મોટો વધારો થયો છે. આ દરમિયાન અલગ-અલગ પાકોના MSPમાં ૫૪% થી લઈને ૧૨૭% સુધીનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે.
*મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો*
ગુજરાતની કૃષિ અર્થવ્યવસ્થામાં મગફળી અને કપાસનું વિશેષ મહત્વ રહ્યું છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાંથી ૫૨.૪૮ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને ₹૩૧,૯4૧ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. બીજી તરફ, કપાસના વૈશ્વિક ભાવમાં ઘટાડાના સમયમાં પણ સરકાર દ્વારા ૨૫.૨૩ લાખ મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને ₹૧૭,૭૫૯ કરોડનું રક્ષણ કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
*ચણા અને તુવેરના પાકમાં પણ બમ્પર કમાણી*
રવિ પાકના મુખ્ય આધાર ગણાતા ચણાની ૧૬.૮૧ લાખ મેટ્રિક ટન ખરીદી સામે ખેડૂતોને ₹૯,૫૪૯ કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના મહત્વના પાક તુવેરની ૪.૯૭ લાખ મેટ્રિક ટન ખરીદી કરીને ₹૩,૨૨૨ કરોડનું વળતર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાયડો, સોયાબીન, અડદ અને મગ જેવા પાકોની ખરીદીથી પણ હજારો નાના અને સીમાંત ખેડૂતોને સીધો આર્થિક લાભ મળ્યો છે.
*ખેડૂતોની સંખ્યામાં ૭ ગણો વધારો*
વર્ષ ૨૦૧૬-૧૭માં માત્ર ૨.૦૧ લાખ ખેડૂતો પાસેથી ₹૧,૭૭૫ કરોડની ખરીદી થઈ હતી. તેની સરખામણીએ આજે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૪ લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹૨૩,૮૦૦ કરોડ મૂલ્યની ૩૨.૫૪ લાખ મેટ્રિક ટન ઉપજ ખરીદવામાં આવી છે. આમ, ખેડૂતોની સંખ્યામાં ૭ ગણો અને ખરીદીના મૂલ્યમાં ૧૩ ગણો વધારો આ યોજનાની ભવ્ય સફળતાનો પુરાવો છે.
*વાવેતર પહેલાં જ ભાવોની જાહેરાત અને DBTની પારદર્શિતા*
ખેડૂતોને પાક આયોજનમાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે MSPની જાહેરાત વાવેતર પહેલાં જ કરી દેવામાં આવે છે. કૃષિ ખર્ચ અને ભાવ પંચ (CACP) દ્વારા બિયારણ, ખાતર, વીજળી, ડીઝલ અને મજૂરી સહિતના તમામ ખર્ચનો તાર્કિક અભ્યાસ કરીને ટેકાના ભાવ નક્કી થાય છે, જેમાં ઉત્પાદન ખર્ચ પર આશરે ૫૦ ટકા નફો આપવામાં આવે છે. વધુમાં, DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ચૂકવણી સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થતી હોવાથી વચેટિયાઓની પ્રથા નાબૂદ થઈ છે. ઓનલાઈન નોંધણી અને SMS આધારિત વ્યવસ્થાના કારણે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી.
*વિવિધ પાકોના MSPમાં થયેલો રેકોર્ડબ્રેક વધારો*
છેલ્લા દાયકામાં વિવિધ પાકોના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેમાં:
* સામાન્ય ડાંગર: ૬૧ ટકા વધારો
* ઘઉં: ૫૯ ટકા વધારો
* બાજરી: ૧૦૮ ટકા વધારો
* હાઈબ્રિડ જુવાર: ૧૨૭ ટકા વધારો
* મગફળી: ૧૦૨ ટકા વધારો
* કપાસ: ૯૯ ટકા સુધીનો વધારો
ખેડૂતોના મતે, ટેકાના ભાવે સમયસર ખરીદી અને ખાતામાં સીધી મળતી ચૂકવણીના કારણે ખેતી ક્ષેત્રમાં વિશ્વાસ પુનઃ જીવંત થયો છે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી મજબૂતી મળી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
