હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગામડાંની જમીન પર ડ્રોનની 'ડિજિટલ નજર': કેન્દ્ર સરકારની 'સ્વામિત્વ યોજના'માં ગુજરાતે આખા દેશમાં ડંકો વગાડ્યો, ૧૮.૫૦ લાખ પ્રોપર્ટી કાર્ડ બનાવી રચ્યો રાષ્ટ્રીય રેકોર્ડ
દેશના કુલ પ્રોપર્ટી કાર્ડમાંથી ૫૦ ટકાથી વધુ એકલા ગુજરાતે બનાવ્યા: મહેસાણા-અમદાવાદ મોખરે, હવે પોતાના જ ઘરના દસ્તાવેજ પર ગ્રામજનોને મળશે ₹૫૦ લાખ સુધીની બૅન્ક લોન

ગાંધીનગર,==: ભારતના ગ્રામીણ ઈતિહાસમાં એક નવો ક્રાંતિકારી અધ્યાય લખાઈ ચૂક્યો છે અને આ ગૌરવશાળી રેકોર્ડમાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવીને ફરી એકવાર પોતાની વહીવટી કુશળતા સાબિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના’ (Svamitva Scheme) ના બીજા તબક્કામાં ગુજરાતે આખા દેશમાં અપ્રતિમ સફળતા મેળવી છે. અત્યાધુનિક ડ્રોન ટેક્નોલૉજીની મદદથી ગામડાંની જમીનોનું સચોટ મૅપિંગ કરીને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૧૮.૫૦ લાખથી વધુ પરિવારોને પોતાની જ મિલકતના કાયદાકીય માલિકી હક દર્શાવતા ‘પ્રોપર્ટી કાર્ડ’ એનાયત કરી દીધા છે.
આ આંકડો એટલા માટે પણ સમગ્ર દેશને ચોંકાવનારો છે કારણ કે, સ્વામિત્વ યોજનાના બીજા તબક્કા હેઠળ દેશભરમાં તૈયાર થયેલા કુલ પ્રોપર્ટી કાર્ડમાંથી ૫૦ ટકાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ફક્ત એકલા ગુજરાતમાં જ તૈયાર થયા છે. દાયકાઓથી ગામડાઓમાં રહેણાંક મિલકતોના કોઈ પાકા કાનૂની દસ્તાવેજો ન હોવાને કારણે ગ્રામજનો પેઢીઓથી પોતાના જ ઘરના કાનૂની અધિકારો અને સરકારી આર્થિક યોજનાઓથી વંચિત રહેતા હતા, જેનો હવે કાયમી અંત આવ્યો છે.
૧૪,૯૦૦ ડ્રોન ફ્લાઇટ્સ અને ૧૧,૫૧૧ ગામોનું સચોટ મૅપિંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સર્વે ઓફ ઇન્ડિયા, ગુજરાત મહેસૂલ વિભાગ અને ગુજરાત પંચાયતી રાજ વિભાગે ખભેખભો મિલાવીને આ અશક્ય લાગતા મિશનને શક્ય બનાવ્યું છે. આ યોજનાના બીજા તબક્કામાં દેશભરના ૫૮,૧૯૭ ગામોમાં ડ્રોન સર્વે કરવામાં આવ્યો હતો અને કુલ ૩૨,૩૫,૨૬૦ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. જેમાંથી એકલા ગુજરાતે જ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ૧૪,૯૦૦ ડ્રોન ફ્લાઇટ્સ ઓપરેટ કરી અને ૧૧,૫૧૧ ગામોનું પ્રમોલગેશન (સત્તાવાર જાહેરાત) પૂર્ણ કરીને સૌથી વધુ ૧૮,૫0,૬૧૪ પ્રોપર્ટી કાર્ડ જારી કરવાનો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે.
જિલ્લા વાઈઝ આંકડાઓ પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતનું મહેસાણા (૧,૬૬,૫૦૪ કાર્ડ) અને મધ્ય ગુજરાતનું અમદાવાદ (૧,૫૩,૧૨૫ કાર્ડ) પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં રાજ્યમાં સૌથી આગળ રહ્યા છે. આ ઉપરાંત ખેડા, બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં પણ ૧-૧ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ડિજિટલ પદ્ધતિથી તૈયાર કરી દેવાયા છે. જીઆઈએસ (GIS) આધારિત પારદર્શી મૅપિંગને કારણે પેઢીઓથી ચાલતા જમીન વિવાદો અને કોર્ટ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ગામડાંની સંપત્તિ બની આર્થિક હથિયાર: ₹૫૦ લાખ સુધીની બૅન્ક લોન
આ યોજનાની સૌથી મોટી અને પાયાની સફળતા એ છે કે તેણે ગ્રામીણ મિલકતોને ડેડ-એસેટમાંથી જીવંત આર્થિક સંપત્તિમાં ફેરવી નાખી છે. પ્રોપર્ટી કાર્ડ હાથમાં આવતા જ હવે ગામડાના લોકો પણ શહેરોની જેમ પોતાના ઘર પર ખૂબ જ સરળતાથી બૅન્ક લોન મેળવી રહ્યા છે. ગુજરાતમાં આ પ્રોપર્ટી કાર્ડના તારણ પર ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને ₹૫૦ લાખ સુધીની મોટી બૅન્ક લોન મંજૂર કરવામાં આવી છે.
આ આર્થિક ક્રાંતિથી ગામડાઓમાં નવા નાના વ્યવસાયો, ઉચ્ચ શિક્ષણ અને આજીવિકાની અનેક નવી તકો ઊભી થઈ છે, જેનો સીધો લાભ ગ્રામીણ મહિલાઓ અને વંચિત વર્ગોને મળી રહ્યો છે. લોકોને આ યોજના વિશે માહિતગાર કરવા રાજ્યભરમાં ૧૪,૦૦૦ થી વધુ ગ્રામસભાઓ યોજાઈ ચૂકી છે, જે મહાત્મા ગાંધીના ‘ગામડાંને આત્મનિર્ભર’ કરવાના સપનાને પીએમ મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ ના માધ્યમથી સાકાર કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
