તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
વડોદરામાં કાયદાના લીરેલીરા: દહેજભૂખ્યા સાસરિયાના ત્રાસથી સગર્ભા મહિલાનો આપઘાતનો પ્રયાસ, પતિએ રસ્તા પર જાહેરમાં આપ્યા 'ટ્રિપલ તલાક'
લગ્નના એક જ મહિનામાં બાઇક-દાગીના ઓછા પડ્યા, કાર ખરીદવા પ લાખની માંગણી સાથે ગર્ભવતી પત્નીને ઢોર માર મારી અડધી રાતે ઘરમાંથી કાઢી મૂકી: ૫ સામે ગુનો દાખલ

વડોદરા : સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી કાયદો અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ૨૨ વર્ષની પરિણીત અને સગર્ભા (ગર્ભવતી) મહિલાને તેના સાસરિયાઓ દ્વારા કારમી શારીરિક-માનસિક યાતનાઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં, કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં ક્રૂર પતિએ રસ્તા પર જાહેરમાં પત્નીને માર મારી 'તલાક, તલાક, તલાક' કહીને સંબંધોનો કરુણ અંત આણી દીધો હતો. સાસરિયાઓના અસહ્ય જુલમથી કંટાળીને આ ગર્ભવતી મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે પરિવારની સતર્કતાને કારણે તેનો આબાદ બચાવ થયો છે. પીડિતાએ આ મામલે પતિ સહિત સાસરી પક્ષના ૫ સભ્યો વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સ્ટેશને પહોંચેલી વિગતો અનુસાર, કારેલીબાગની આ યુવતીના લગ્ન ડિસેમ્બર ૨૦૨૫માં શાહરૂખ અહેમદ ઉર્ફે સાહિલ શેખ નામના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે દીકરીના માતા-પિતાએ પોતાની આર્થિક શક્તિ પ્રમાણે એક્ટિવા બાઇક, સોના-ચાંદીના કિંમતી દાગીના અને ઘરવખરીનો તમામ સામાન કરિયાવરમાં આપ્યો હતો. જો કે, લોભી સાસરિયાઓને આટલાથી સંતોષ ન થયો અને લગ્નના માંડ એક જ મહિના બાદ પિયરમાંથી વધુ પૈસા લાવવા માટે પરિણીતા પર દબાણ શરૂ કરાયું હતું. તે ગર્ભવતી બનતા તેની સારવાર અને ડિલિવરીના બહાને સાસરિયાઓએ પિયરમાંથી વધુ ₹૫૦,૦૦૦ ની માંગણી કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
ફોર વ્હીલર કાર માટે ૫ લાખની માંગ અને રસ્તા પર 'ટ્રિપલ તલાક'
પીડિતા પર અત્યાચારની સીમા ત્યારે પાર થઈ ગઈ જ્યારે તેના પતિ અને સાસરિયાઓએ પિયરમાંથી ફોર-વ્હીલર (કાર) ખરીદવા માટે રોકડા ₹૫ લાખ લાવવા ફરમાન કર્યું. પરિણીતાએ રડતા રડતા પોતાના માતા-પિતાની નબળી આર્થિક સ્થિતિનો હવાલો આપી આટલી મોટી રકમ લાવવામાં અસમર્થતા દર્શાવી હતી. આ સાંભળતા જ પતિ, સાસુ અને સસરાએ તેને ઢોર માર માર્યો અને કડકડતી ઠંડીમાં અડધી રાતે ઘરમાંથી બહાર કાઢી મૂકી.
આટલું ઓછું હોય તેમ, ગત ૧૦ જૂનના રોજ જ્યારે પીડિતા ઇન્દિરા નગર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેનો પતિ સાહિલ ત્યાં ધસી આવ્યો હતો. તેણે જાહેરમાં રસ્તા પર જ પત્ની સાથે લોહીલુહાણ મારામારી કરી હતી અને તમામ મર્યાદાઓ ઓળંગીને મોટેથી ત્રણ વાર 'તલાક' બોલી છૂટાછેડા આપી દીધા હતા. અન્ય સાસરિયાઓએ પણ જો પોલીસ સ્ટેશને જશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી.
ગર્ભવતી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ: પોલીસ એક્શનમાં
સતત મળતી શારીરિક પ્રીતિ અને જાહેરમાં લાગેલા માનસિક આઘાતને જીરવી ન શકતા, કંટાળેલી ૨૨ વર્ષની પરિણીતાએ પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સમયસર પરિવારના સભ્યો રૂમમાં દોડી આવતા તેને પંખા પરથી નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સમયસરની સારવારથી તેનો અને તેના ગર્ભમાં રહેલા બાળકના શ્વાસ બચી ગયા હતા.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીડિતા સીધી પોલીસ સ્ટેશને પહોંચી હતી. કારેલીબાગ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે પતિ સાહિલ અહેમદ શેખ, સાસુ, સસરા અને નણંદ સહિત કુલ ૫ સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલું હિંસા, દહેજ ઉત્પીડન અને ગેરકાયદેસર ટ્રિપલ તલાક આપવા બદલ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
