હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરત નાસીરનગર ડિમોલિશન પર ભારે રાજકીય ગરમાવો: વિપક્ષના ધરણા વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલનું મોટું નિવેદન, તપાસ કમિટીના રિપોર્ટ બાદ લેવાશે એક્શન
"હાલ હાઈકોર્ટમાં મામલો છે અને તપાસ ચાલુ છે, ૨ થી ૩ દિવસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે": વિવાદ 'ટોક ઓફ ધ ટાઉન' બનતાં મનપા શાસકો એક્શન મોડમાં

સુરત : સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા નાસીરનગરમાં કરવામાં આવેલી ડિમોલિશનની કડક કાર્યવાહી અત્યારે સમગ્ર શહેરમાં 'ટોક ઓફ ધ ટાઉન' એટલે કે ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે. આ ડિમોલિશનના વિરોધમાં ગઈકાલે જ કોંગ્રેસ પક્ષ દ્વારા મનપા પ્રશાસન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને ધરણા પણ યોજવામાં આવ્યા હતા. રાજકીય તણાવ અને જનતાના આક્રોશ વચ્ચે આખરે આજે સુરત મનપાની શક્તિશાળી સ્થાયી (સ્ટેન્ડિંગ) કમિટીના અધ્યક્ષ રાજન પટેલે મીડિયા સમક્ષ આવીને આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી છે અને કાયદો પોતાનું કામ કરી રહ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, નાસીરનગર ડિમોલિશનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે તાત્કાલિક અસરથી વિશેષ સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે એક તટસ્થ તપાસ કમિટીની સ્થાપના કરવામાં આવી છે, જે આખી ઘટનાની બારીકાઈથી તપાસ કરી રહી છે. ચેરમેને ઉમેર્યું કે, "હાલ આ વિવાદિત મુદ્દો માનનીય ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ પહોંચ્યો છે. તેથી કાનૂની મર્યાદાઓને કારણે હું અત્યારે આના પર કોઈ આખરી ટિપ્પણી કરી શકું તેમ નથી. તપાસ કમિટીનો જે પણ સત્તાવાર રિપોર્ટ આવશે, તે મનપા કમિશનર સમક્ષ અને ત્યારબાદ મીડિયા દ્વારા જનતા સમક્ષ પારદર્શક રીતે રજૂ કરવામાં આવશે."
આગામી ૨ થી ૩ દિવસમાં આવશે રિપોર્ટ, દોષિત અધિકારીઓ પર તોળાતી કટોકટી
રાજન પટેલે મનપાના વલણને સ્પષ્ટ કરતાં આગળ જણાવ્યું કે, તપાસ કમિટી અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર ડિમોલિશન દરમિયાન કઈ કઈ કામગીરી થઈ, કયા નિયમોનું પાલન થયું કે ચૂક થઈ, તે તમામ પાસાઓ ચકાસી રહી છે. આગામી ૨ થી ૩ દિવસની અંદર આ સમગ્ર મામલાનો આખરી અહેવાલ (રિપોર્ટ) તૈયાર થઈ જશે.
આ રિપોર્ટ મનપા કમિશનર પાસે રજૂ થયા બાદ જો કોઈ સ્તર પર ક્ષતિ કે અનિયમિતતા જણાશે, તો કમિશનર કક્ષાએથી જવાબદારો સામે કડક વહીવટી પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, જો શાસક પક્ષને પણ લાગશે કે આમાં ક્યાંક મોટી ગેરરીતિ થઈ છે અને શાસકો તરફથી પણ પગલાં લેવાની જરૂરિયાત ઊભી થશે, તો આગામી સમયમાં સ્થાયી કમિટી અને મનપાની સામાન્ય સભા (General Board) માં આ બાબતે કડક દરખાસ્ત લાવીને નિર્ણય કરવામાં આવશે.
"અધિકારીઓને સમય આપવો પડે": ચેરમેનની અપીલ
વિપક્ષ અને સ્થાનિકોના ભારે દબાણ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નમ્ર અપીલ કરતાં કહ્યું કે, જે પણ વરિષ્ઠ અધિકારીઓ અત્યારે આ સંવેદનશીલ તપાસ કામગીરીમાં જોડાયેલા છે, તેમને યોગ્ય પુરાવા એકત્રિત કરવા માટે પૂરતો સમય આપવો અનિવાર્ય છે. ચોક્કસ પુરાવા સાથેનો રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવ્યા બાદ જ કાયદાકીય રીતે જવાબદારો સામે નક્કર પગલાં લઈ શકાશે.
એક તરફ કોંગ્રેસ આ મુદ્દાને લઈને રસ્તા પર ઉતરી છે, બીજી તરફ મામલો હાઈકોર્ટમાં છે અને ત્રીજી તરફ મનપાની આંતરિક તપાસ સમિતિ સક્રિય થઈ છે, તે જોતાં આગામી અઠવાડિયું સુરતના રાજકારણ અને મનપાના વહીવટી તંત્ર માટે ભારે લોઢાના ચણા સાબિત થવાનું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
