<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ઈશ્વર પર પણ માનવીનો માલિકી હક?! સાળંગપુર હનુમાનજીના નામ અને 'કિંગ ઓફ સાળંગપુર' સ્વરૂપના કૉપીરાઇટ મુદ્દે સનાતન ધર્મના સાધુ-સંતોમાં ભભૂક્યો ભારે રોષ

"ભગવાન સમગ્ર સૃષ્ટિના છે, તેના પર કોઈ એક સંપ્રદાય કે ટ્રસ્ટનો એકાધિકાર હોઈ જ ન શકે": જૂનાગઢ અખાડાથી લઈ અગ્રણી સંતોએ કડક શબ્દોમાં વખોડ્યો નિર્ણય, મામલો હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની ચીમકી

અમદાવાદ : કાળા માથાનો માનવી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જેટલી પ્રગતિ કરી રહ્યો છે, તેની સામે ધાર્મિક આસ્થાના નામે એટલી જ અધોગતિ તરફ જઈ રહ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે, તેવા પરમ તત્વ અને ભગવાનને પણ હવે માનવી કાનૂની માલિકીના દાયરામાં બાંધવા લાગ્યો છે. "આખરે ઈશ્વર પર કોઈ વ્યક્તિ, વ્યાપારી કે ધાર્મિક સંસ્થાનું સ્વામીત્વ કેવી રીતે હોઈ શકે?" તેવા ગંભીર પ્રશ્ન અને વિવાદ વચ્ચે બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરના નામ, મૂર્તિના વિશિષ્ટ સ્વરૂપો અને ચિત્રોના કૉપીરાઇટ તેમજ ટ્રેડમાર્ક સુરક્ષા (IPR) ખરીદવામાં આવ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદી હસ્તકના મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ ચોંકાવનારા પગલાના કારણે સમગ્ર ગુજરાતના સાધુ-સંતો, મહંતો અને સનાતની સંસ્થાઓમાં આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી છે.
દેશના ધાર્મિક ઇતિહાસમાં કદાચ આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ સનાતન દેવતાના પવિત્ર આધ્યાત્મિક વારસાના કૉપીરાઇટ કોઈ સંસ્થાએ પોતાના નામે રજિસ્ટર્ડ કરાવ્યા હોય. ગત ૧૧ જૂન ૨૦૨૬ના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા દાદાના ચરણોમાં આ કૉપીરાઇટ અને ટ્રેડમાર્કના સત્તાવાર સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાનૂની સંરક્ષણ બાદ હવે ટ્રસ્ટની લેખિત પરવાનગી વિના કોઈ પણ સામાન્ય વેપારી કે સંસ્થા સાળંગપુર હનુમાનજી મહારાજના વિશિષ્ટ સ્વરૂપો, 'કિંગ ઓફ સાળંગપુર' (૫૪ ફૂટની વિરાટ પ્રતિમા), ચિત્રો અને ધાર્મિક પ્રતીકોનો વ્યવસાયિક ઉપયોગ કરી શકશે નહીં.
નકલી પ્રોડક્ટ્સ અટકાવવાનો મંદિર ટ્રસ્ટનો દાવો
આ ભભૂકેલા વિવાદ સામે સાળંગપુર મંદિર ટ્રસ્ટના સત્તાધારીઓએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે, આ રજીસ્ટ્રેશન પાછળનો હેતુ માત્ર દાદાના દિવ્ય સ્વરૂપની ગરિમા જાળવવાનો અને ભાવિ પેઢીઓ માટે મંદિરના વારસાનું રક્ષણ કરવાનો છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ મહિનાની જટિલ કાનૂની પ્રક્રિયા બાદ આ બૌદ્ધિક સંપદા (Intellectual Property) મેળવવામાં આવી છે.
ટ્રસ્ટના દાવા મુજબ, 'કિંગ ઓફ સાળંગપુર' ની મૂર્તિ સંબંધિત કોઈ પણ સામાન જેમ કે ટી-શર્ટ, કી-ચેન, પેન્ડન્ટ, ફોટો ફ્રેમ કે નાની મૂર્તિઓ બનાવતા કે બજારમાં વેચતા પહેલા મંદિર ટ્રસ્ટની મંજૂરી લેવી પડશે. આનાથી બજારમાં વેચાતા નકલી ધાર્મિક ઉત્પાદનો અને અસલી પ્રસાદના નામે થતી છેતરપિંડી પર કાયદાકીય રોક લગાવી શકાશે.
"ભગવાનનો કોઈ કૉપીરાઇટ ન હોય" : ગુજરાતભરના સંતોની સખત નિંદા
ટ્રસ્ટના આ તર્કને પાયાવિહોણો ગણાવીને ગુજરાતભરના અખાડા અને સંતો મેદાને આવ્યા છે. મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, "આસ્થા અને ભક્તિના પ્રતીકોને કાનૂની માલિકી હેઠળ જોવા તે સનાતન પરંપરાનું અપમાન છે. મહાદેવ, શ્રીરામ, શ્રીકૃષ્ણ કે હનુમાનજી ચારેય યુગોમાં વ્યાપ્ત છે. ઉપાસનામાં ક્યારેય કૉપીરાઇટ હોઈ જ ન શકે. જેણે પણ આ કૃત્ય કર્યું છે, તેની હું કડક શબ્દોમાં નિંદા કરું છું."
તેવી જ રીતે, રાજકોટાના પ્રખ્યાત સંત બાબા જ્યોતિર્નાથ મહારાજ અને જૂનાગઢના ખાખીમડી આશ્રમના મહંત સુખરામદાસ બાપુએ પણ આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે, જો આ ટ્રેડમાર્ક અને કૉપીરાઇટની નોંધણી તાત્કાલિક રદ્દ કરવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યમાં વ્યાપક બહિષ્કાર અને આંદોલન ચલાવવામાં આવશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ પણ આક્રોશ ઠાલવતા કહ્યું કે, સનાતન ધર્મ કોઈ કોર્પોરેટ બ્રાન્ડ કે ખાનગી જાગીર નથી કે તેના પર પેટન્ટ લેવામાં આવે.
ભૂતકાળના વિવાદોની યાદ તાજી: હાઈકોર્ટમાં PIL ની ચીમકી
આ ગંભીર મુદ્દે રાજકીય પક્ષો પણ કૂદી પડ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે વિરોધ નોંધાવતા યાદ અપાવી હતી કે, આ જ સંપ્રદાય ભૂતકાળમાં પણ વિવાદોમાં આવ્યો હતો જ્યારે હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના સેવક તરીકે ભીંતચિત્રોમાં દર્શાવાયા હતા, અને સનાતનીઓના ઉગ્ર વિરોધ બાદ તે ચિત્રો હટાવવા પડ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, શાસ્ત્રોમાં લખાયેલા 'કષ્ટભંજન' અને 'સંકટમોચન' જેવા પવિત્ર નામો પર કોઈ સંસ્થા કાનૂની દાવો કેવી રીતે કરી શકે? વળી 'સાળંગપુર' એ એક ભૌગોલિક ગામ/શહેરનું નામ છે, તેનું પણ રજીસ્ટ્રેશન કેમનું થાય?
મળતી વિગતો મુજબ, વર્લ્ડ બ્રાહ્મણ એજ્યુકેશન અને અન્ય હિન્દુ સનાતની સંગઠનો આગામી દિવસોમાં સાળંગપુર ખાતે રૂબરૂ જઈને વિરોધ પ્રદર્શન કરશે. જો ટ્રસ્ટ આ કૉપીરાઇટ પરત નહીં ખેંચે, તો ચેરિટી કમિશનર, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી અને જરૂર પડ્યે ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરીને કાનૂની જંગ લડવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

(8:22 PM IST)