News of Saturday, 13th June 2026
ગુજરાત પર ફરી મંડરાતો ભયાનક 'લઠ્ઠાકાંડ'નો ખતરો?! મુંબઈ-બાડમેર હમસફર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપાયો દમણનો ઝેરી નકલી દારૂ
૨૨ ડબ્બાની આખી ટ્રેનમાં ૧૩ કલાકની મુસાફરી દરમિયાન એક પણ પોલીસ જવાન ન મળ્યો: સુરક્ષાના ધજાગરા વચ્ચે બુટલેગરોએ રેલવેને બનાવ્યું મોકળું મેદાન, કેમિકલયુક્ત જથ્થો વાપી-અમદાવાદ સુધી સપ્લાય થવાની આશંકા

અમદાવાદ : ગાંધીના નામે ઓળખાતા અને કડક દારૂબંધીના કાયદાનું ગૌરવ લેતા ગુજરાતમાં વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ અને ચિંતાજનક હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. રાજ્યમાં કાગળ પરની દારૂબંધીના લીરેલીરા ઉડાડતા માફિયાઓ હવે પકડાવાના ડરથી ખાનગી લક્ઝરી કાર કે ટ્રકો છોડીને ભારતીય રેલવે જેવા જાહેર પરિવહનનો આશરો લઈ રહ્યા છે. મુંબઈથી ઉપડીને ગુજરાત થઈ રાજસ્થાનના બાડમેર જતી ટ્રેન સંખ્યા ૨૧૯૦૧ ‘હમસફર એક્સપ્રેસ’માંથી દારૂની મોટી ખેપ મારી રહેલા એક શખ્સને રંગેહાથ ઝડપી લેવામાં આવતા રેલવે સુરક્ષાની ઘોર બેદરકારી પરથી પડદો હટી ગયો છે.
આ આખી ઘટના દરમિયાન ટ્રેનમાં હાજર મીડિયા પ્રતિનિધિએ જ્યારે ફરજ પરના ટિકિટ ચેકર (TC) સાથે સીધી વાત કરી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. ટીસીના જણાવ્યા અનુસાર, ૨૨ ડબ્બાની આ વિરાટ ટ્રેનમાં હજારો મુસાફરોની સુરક્ષા માટે એક પણ રેલવે પોલીસ (GRP/RPF) નો જવાન હાજર નહોતો! અંદાજે ૧૩ કલાક લાંબી આ સફરમાં સુરક્ષા એજન્સીઓની આ ગેરહાજરી જ દારૂના બુટલેગરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને તેમને હેરાફેરી માટે મોકળું મેદાન પૂરું પાડી રહી છે.
દમણથી આવતો સાત હજારનો આ દારૂ 'કેમિકલયુક્ત ઝેર' હોવાની આશંકા
સૌથી વધુ ધ્રુજારી પેદા કરે તેવી બાબત એ છે કે ટ્રેનમાંથી પકડાયેલા આ દારૂના જથ્થામાં બ્રાન્ડેડ નહીં પરંતુ 'નકલી અને ઝેરી દારૂ' હોવાની આશંકા પ્રબળ બની છે. સંશોધનો અને આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, સંઘ પ્રદેશ દમણમાં નકલી દારૂ બનાવવાનો કાળો કારોબાર અત્યારે ફૂલ્યોફાલ્યો છે. પકડાયેલા ખેપિયાની બેગમાંથી મળેલી બોટલોના સસ્તા પેકિંગ, લોગો અને વિચિત્ર દેખાવ પરથી ટ્રેનમાં સવાર જાગૃત મુસાફરોએ તુરંત જ તે ભેળસેળયુક્ત હોવાનું ઓળખી કાઢ્યું હતું.
જ્યારે આ પકડાયેલા શખ્સની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે આખા જથ્થાની કિંમત માત્ર સાત હજાર રૂપિયા હોવાનું જણાવ્યું હતું. (જો કે આ કિંમતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી). માત્ર સાત હજાર જેવા નજીવા દરે આટલી મોટી સંખ્યામાં મળતી બોટલો સીધેસીધું કેમિકલયુક્ત ઝેર હોવાની પૂરી આશંકા છે, જે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે સીધો જીવલેણ ખેલ છે.
મોટા માથાના આશીર્વાદ: શું તંત્ર વધુ એક લઠ્ઠાકાંડની રાહ જુએ છે?
દમણથી વાપી બોર્ડર થઈને વડોદરા અને અમદાવાદ સુધી પહોંચતા આ નકલી દારૂના આંતરરાજ્ય નેટવર્ક પાછળ પોલીસ અને રાજકીય ક્ષેત્રના કોઈ મોટા માથાના આશીર્વાદ હોવાની શંકા દ્રઢ બની છે. ભૂતકાળમાં પણ ગુજરાત નકલી અને કેમિકલવાળો દારૂ પીવાના કારણે અનેક ભયાનક લઠ્ઠાકાંડો સહન કરી ચૂક્યું છે, જેમાં સેંકડો પરિવારોના મોભીઓ કાળનો કોળિયો બન્યા છે.
આવી પરિસ્થિતિ વચ્ચે પણ રેલવે પ્રશાસન અને સ્થાનિક પોલીસની આવી ઘોર અને ગુનાહિત બેદરકારી જોતા સ્થાનિક લોકો રોષપૂર્વક કહી રહ્યા છે કે, જાણે તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને રાજ્યમાં વધુ એક ગમખ્વાર 'લઠ્ઠાકાંડ' સર્જાય તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગે છે! જો આગામી દિવસોમાં ગુજરાતના રેલવે સ્ટેશનો અને સરહદી નાકા પર ચેકિંગ લોખંડી નહીં કરાય, તો આ નકલી દારૂ અનેક નિર્દોષ નાગરિકોના હોમતા જીવ લેશે તેમાં કોઈ શંકા નથી.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
