તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 13th June 2026
રેલવે પોલીસ 'ઊંઘતી' ઝડપાઈ! હમસફર એક્સપ્રેસના શૌચાલયમાં ૧ કલાક સુધી સંતાયેલો બુટલેગર આખરે પકડાયો, દમણ-વાપીનું મોટું નેટવર્ક ખૂલ્યું
"કુખ્યાત બુટલેગર શિવા માટે કામ કરું છું, ચાર-પાંચ દિવસમાં તો જામીન પર છૂટી જઈશ": કાયદાના લીરેલીરા ઉડાડતા ખેપિયાની કબૂલાતથી ખળભળાટ, ૨૨ ડબ્બાની ટ્રેન પોલીસ વિના રામ ભરોસે!

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના સરકારી દાવાઓ કેટલા પોકળ છે અને બુટલેગરોના મનમાંથી ખાખી વર્દીનો ખૌફ કેવી રીતે સાવ ગાયબ થઈ ગયો છે, તેનો વધુ એક જીવંત અને સનસનાટીભર્યો પુરાવો મુંબઈથી ઉપડતી હમસફર એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા ૨૧૯૦૧) માં જોવા મળ્યો છે. ટ્રેનની અંદર જ કાળો કારોબાર ચલાવતા માફિયાઓ હવે રેલવે તંત્રને પોતાની જાગીર સમજવા લાગ્યા છે. મુંબઈ સમાચારના પ્રતિનિધિ જ્યારે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે મુસાફરોની સતર્કતાને કારણે ટ્રેનના શૌચાલય (Toilet) માંથી દારૂના મસમોટા જથ્થા સાથે એક ખેપિયો રંગેહાથ પકડાઈ જતાં સમગ્ર ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી.
વાત જાણે એમ છે કે, ટ્રેનમાં સવાર મુસાફરોને શંકા જતાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એક શખ્સ દારૂની બોટલોથી ભરેલી ભારેખમ બેગ સાથે છેલ્લા એક કલાકથી શૌચાલયનો દરવાજો અંદરથી બંધ કરીને સંતાઈ રહ્યો હતો. મુસાફરો અને રેલવે સ્ટાફના દબાણ બાદ જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તેની બેગમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટના દરમિયાન ટ્રેનના ટીસી (TC) એ પણ લાચારી વ્યક્ત કરતા સ્વીકાર્યું કે ૨૨ ડબ્બાની આ આખી ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે એક પણ રેલવે પોલીસનો જવાન હાજર નથી!
વાપીના કુખ્યાત બુટલેગર 'શિવા'ના નેટવર્કનો પર્દાફાશ
સ્થાનિક મુસાફરો અને રેલવે કર્મચારીઓની હાજરીમાં જ્યારે આ ખેપિયાની કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે દમણ અને વાપીથી ચાલતા દારૂના મોટા નેટવર્કની ચોંકાવનારી કુંડળી ખોલી નાખી હતી. તેણે બિન્દાસ કબૂલાત કરી કે આ માલ સંઘ પ્રદેશ દમણથી આવે છે અને તે વાપીના કુખ્યાત બુટલેગર 'શિવા' માટે દારૂની ખેપ મારવાનું રોજનું કામ કરે છે.
સૌથી વધુ ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ છે કે, જ્યારે તેને જેલ જવાનો ડર બતાવવામાં આવ્યો ત્યારે તેણે કાયદાની મજાક ઉડાવતા અત્યંત ઉડાઉ જવાબ આપ્યો કે, "જેલ થશે તો બીજું શું? અદાલતમાંથી ચાર-પાંચ દિવસમાં તો હું પાછો જામીન પર છૂટી જઈશ!" ખેપિયાનું આ એક જ વાક્ય સાબિત કરે છે કે બુટલેગરો અને નશાના સોદાગરો માટે કાયદો રમકડા સમાન બની ગયો છે.
શું રેલવે પોલીસ અને માફિયાઓની મિલીભગત જ આ આખા રેકેટનું એન્જિન છે?
આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળ્યો હતો. મુસાફરોનું સ્પષ્ટપણે માનવું છે કે બજારમાં સસ્તા ભાવે સપ્લાય થઈ રહેલો આ દારૂ બ્રાન્ડેડ નહીં પરંતુ કેમિકલયુક્ત 'નકલી દારૂ' છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો જીવલેણ ખેલ છે. પ્રજા સવાલ ઉઠાવી રહી છે કે અંદાજે ૧૩ કલાક લાંબી ટ્રેનની મુસાફરીમાં જ્યારે મુસાફરોનો જીવ જોખમમાં હોય, ત્યારે રેલવે પોલીસ અને તંત્ર કેમ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે?
શું રેલવે પોલીસ અને નશાના વેપારીઓ વચ્ચેની અંદરખાને મિલીભગત જ આ આખા રેકેટનું અસલી એન્જિન છે? જો જાહેર પરિવહન જ અસામાજિક તત્વોનો અડ્ડો બની જશે તો સામાન્ય જનતા ક્યાં જશે? આ સળગતા સવાલો અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે લાલબત્તી ધરી રહ્યા છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
