<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ગીરના એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટ લાલઘૂમ: ગુજરાત સરકાર અને રેલવે તંત્રને કર્યા સણસણતા સવાલો, તાત્કાલિક પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવા કડક આદેશ

"સિંહ કોરિડોરમાં મોજ-મસ્તી માટે વિસ્ટાડોમ કોચ શરૂ કરવાનો વિવાદાસ્પદ પ્લાન શું છે?": ચીફ જસ્ટિસની ખંડપીઠે વન્યજીવોની સુરક્ષા મુદ્દે વ્યક્ત કરી ગંભીર ચિંતા, ઓગસ્ટ સુધીમાં રેલવે ટ્રેક પર સ્માર્ટ એલર્ટ ડિવાઇસ લગાવવા સરકારની ખાતરી

અમદાવાદ : ગુજરાતની અસ્મિતા અને વનવિભાગની આગવી શાન સમાન ગીરના એશિયાટિક સિંહોના અકાળે અને અકસ્માતોમાં થઈ રહેલા મોતના મામલાને ગુજરાત હાઈકોર્ટે અત્યંત ગંભીરતાથી લીધો છે. ગીરના જંગલ વિસ્તારમાં સિંહોમાં ફેલાયેલી બીમારી અને રેલવે ટ્રેક પર કાળનો કોળિયો બનતા વનરાજની સુરક્ષાને લઈ હાઈકોર્ટે ફરી એકવાર અત્યંત કડક અને સંવેદનશીલ વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે આ સમગ્ર ઘટનાઓ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. અદાલતે આ પરિસ્થિતિને વન્યજીવ સૃષ્ટિ માટે ભારે 'માઠા વાવડ' ગણાવીને રાજ્ય સરકારની કામગીરી સામે ધારદાર પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે.
વર્ષ ૨૦૧૮ માં દાખલ કરાયેલી ઐતિહાસિક સુઓમોટો પિટિશનની હાઈ-વોલ્ટેજ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આકરા શબ્દોમાં પૂછપરછ કરી હતી કે સિંહોને બચાવવા માટે અત્યાર સુધી સરકારે જમીની સ્તરે શું નક્કર પગલાં લીધા છે? ખાસ કરીને 'સિંહ કોરિડોર' તરીકે ઓળખાતા જંગલના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઈનો પર સિંહોના અકસ્માત અટકાવવા માટે વન વિભાગ અને રેલવે મંત્રાલયે શું કર્યું? અદાલતે બંને વિભાગોની બનેલી હાઈ લેવલ સંયુક્ત કમિટીને પોતાની કામગીરીનો વિસ્તૃત 'પ્રોગ્રેસ રિપોર્ટ' તાત્કાલિક અદાલત સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે.
સિંહ દર્શનના નામે વિસ્ટાડોમ કોચના પ્લાન પર કોર્ટ નારાજ
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે સિંહ કોરિડોરમાં સિંહ દર્શનના બહાને રેલવે ટ્રેક પર ટુરિસ્ટો માટે 'વિસ્ટાડોમ કોચ' (કાચની છતવાળા લક્ઝરી ડબ્બા) જોડવાના સરકારના વિવાદાસ્પદ પ્લાન અંગે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી આકરા સવાલો કર્યા હતા અને આ મામલે સરકારને લેખિત સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
બીજી તરફ, સરકારી વકીલે હાઈકોર્ટને આશ્વસન આપ્યું હતું કે સિંહોના રક્ષણ માટે હવે હાઈટેક અને આધુનિક ટેક્નોલોજીનો આશરો લેવામાં આવી રહ્યો છે. વન વિભાગ અને રેલવે દ્વારા સંયુક્ત રીતે સિંહોની કાયમી અવરજવર વાળા રેલવે ટ્રેક પર ‘ઇન્ટ્રુઝન ડિટેકશન ડિવાઇસ’ (Intrusion Detection System) લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જે આગામી ઓગસ્ટ મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. આ સ્માર્ટ ડિવાઇસ સિસ્ટમ એક્ટિવેટ થતાં જ, રેલવે ટ્રેકની ૧૫ મીટરની ત્રિજ્યામાં સિંહ કે અન્ય કોઈ પણ વન્યજીવ પગ મૂકશે કે તરત જ તેની હલનચલનની લાઈવ અપડેટ વન વિભાગના કંટ્રોલ રૂમ અને રેલવેના લોકોપાયલટ (ટ્રેન ડ્રાઈવર) ને અગાઉથી જ એલર્ટ મેસેજ દ્વારા મળી જશે. જેથી લોકોપાયલટ સમયસર ટ્રેનની ગતિને નિયંત્રિત કરી શકશે અને સિંહોના જીવલેણ અકસ્માતો અટકી જશે.
બ્રોડગેજનો નિર્ણય પડતો મુકાયો: પ્રિ-મોનસૂન કામગીરી તેજ
સિંહોના પ્રકૃતિના ખોળે મુક્ત વિહારને અડચણ ન પહોંચે તે માટે કોરિડોર વિસ્તારમાં રેલવે લાઈનને બ્રોડગેજમાં ફેરવવાનો અગાઉનો જોખમી નિર્ણય હવે કાયમી ધોરણે પડતો મૂકી દેવામાં આવ્યો છે, જે સનાતની વન્યજીવ પ્રેમીઓ માટે ભારે રાહતના સમાચાર છે. આ ઉપરાંત, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વનરાજને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે જંગલના અંડરપાસ અને બ્રિજ (પૂલ) ના સમારકામની પ્રિ-મોનસૂન કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા સાવરકુંડલા, રાજુલા, જામનગર, મહુવા અને પીપાવાવ પોર્ટના વિસ્તારો સિંહોના કાયમી વસવાટ અને વિહાર માટે પંથકમાં પ્રખ્યાત છે. હાલમાં આ જ વિસ્તારોમાં ડિવાઇસ લગાવવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. રેલવે અને વન વિભાગના ઉચ્ચ સચિવોની બનેલી હાઈ લેવલ કમિટી આ સમગ્ર પ્રોજેક્ટનું સીધું સુપરવિઝન કરી રહી છે, જેથી ગીરના રાજા સિંહોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય.

(8:27 PM IST)