<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

સોમનાથ દાદાના દર્શને જતાં શ્રદ્ધાળુઓ ખાસ વાંચજો: સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ ટૂંક સમયમાં જ બદલાશે, રેલવે મંત્રાલયે આપી સત્તાવાર મંજૂરી

હવે રાજકોટ-સુરેન્દ્રનગરને બદલે વાયા બોટાદ-ધોળકા થઈને દોડશે સેમી હાઈસ્પીડ ટ્રેન: અમદાવાદ જિલ્લાના વધુ સ્ટેશનો વંદે ભારત નેટવર્ક સાથે જોડાશે, નવું સમયપત્રક જાહેર

અમદાવાદ : પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે વંદે ભારત ટ્રેન દ્વારા જવા માંગતા શ્રદ્ધાળુઓ અને નિયમિત મુસાફરો માટે એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા ટ્રેન સંખ્યા ૨૬૯૦૧/૨૬૯૦૨ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો વર્તમાન રૂટ કાયમી ધોરણે બદલવા માટેની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ રૂટ પરિવર્તનને કારણે હવે મુસાફરોને નવા સ્ટેશનોનો લાભ મળશે, જ્યારે કેટલાક જુના સ્ટેશનો આ હાઈસ્પીડ કનેક્ટિવિટીથી વંચિત રહેશે.
અત્યાર સુધી આ સેમી હાઈ સ્પીડ ટ્રેન સાબરમતીથી ઉપડીને વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જેતલસર થઈને જૂનાગઢ અને વેરાવળ પહોંચતી હતી. પરંતુ રેલવેના નવા ઓપરેશનલ પ્લાન મુજબ, હવે આ રૂટ સંપૂર્ણપણે બદલાઈ જશે. આ ટ્રેન હવે વિરમગામ-રાજકોટને બદલે વાયા ગાંધીગ્રામ, બોટાદ અને જેતલસર થઈને જૂનાગઢ-વેરાવળ તરફ દોડશે.
આ રહ્યું વંદે ભારતનું નવું ટાઈમટેબલ અને સ્ટેશનો
નવા મંજૂર થયેલા સમયપત્રક અને રૂટ પ્રમાણે, ટ્રેન નંબર ૨૬૯0૧ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનેથી દરરોજ સવારે ૦૬:૦૦ વાગ્યે પ્રસ્થાન કરશે. ત્યારબાદ તે ગાંધીગ્રામ, ધોળકા, ધંધૂકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ ખાતે નિયત સ્ટોપેજ કરીને બપોરે ૧૨:૫૦ કલાકે વેરાવળ (સોમનાથ) પહોંચાડશે.
જ્યારે વળતી મુસાફરીમાં આ ટ્રેન વેરાવળ સ્ટેશનેથી બપોરે ૦૩:૫૦ કલાકે ઉપડશે અને આ જ નક્કી કરાયેલા સ્ટોપેજ પર ઉભા રહીને રાત્રે ૧૦:૨૫ કલાકે સાબરમતી સ્ટેશને પરત ફરશે.
અમદાવાદ જિલ્લાના વધુ બે સ્ટેશનોને મળશે લાભ
આ નવા ફેરફારને કારણે અમદાવાદ જિલ્લાના મુસાફરો માટે સારા સમાચાર છે, કારણ કે આ રૂટ હેઠળ ટ્રેનને ગાંધીગ્રામ અને ધોળકા એમ વધુ બે મહત્વના સ્ટેશનો મળશે. આ ઉપરાંત ધંધૂકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા ગ્રામ્ય અને વ્યાપારી વિસ્તારો પણ સીધા પ્રતિષ્ઠિત વંદે ભારત નેટવર્ક સાથે કનેક્ટ થઈ જશે, જેનાથી સ્થાનિક પરિવહનને મોટો વેગ મળશે.
પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, આ સુધારેલા રૂટના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ નવો રૂટ એડવાન્સ રિઝર્વેશન પિરિયડ અથવા તો નો-બુકિંગ તારીખ, જે પણ વહેલું હશે ત્યારથી તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવશે. આ જ ટેકનિકલ કારણોસર, હાલના તબક્કે મુસાફરોને આ નવા ફેરફારો અને સ્ટેશનો IRCTCની ટિકિટ બુકિંગ વેબસાઇટ કે એપ્લિકેશન પર જોવા મળી રહ્યા નથી. રેલવેના ઉચ્ચ અધિકારીઓને આ રૂટ પરિવર્તનની મુસાફરોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવા અને વહેલી તકે ઓપરેશનલ વ્યવસ્થાઓ પૂર્ણ કરવા કડક આદેશો જારી કરાયા છે.

(8:28 PM IST)