હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરમાં દેશના સૌથી અદ્યતન ૧૦૦ હેક્ટરના મેગા ફર્નિચર પાર્ક સમિટનું સફળ સમાપન : વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં જોડાશે નવું આયામ
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની દીર્ઘદ્રષ્ટિ અને વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે યોજાયો સંવાદ : બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલીંગે પણ આપી હાજરી

પોરબંદર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'પોર્ટ-લેડ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન' (બંદર આધારિત ઔદ્યોગિકીકરણ) ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત 'વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ' આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ સમિટમાં દેશભરમાંથી ફર્નિચર ઉદ્યોગ સાથે જોડાયેલા ૫૦ થી વધુ અગ્રણી ઉદ્યોગકારો અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સમિટ દરમિયાન ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ તેમજ પોરબંદરમાં મળનારી આધુનિક સુવિધાઓ અને દરિયાઈ કનેક્ટિવિટીની વિપુલ સંભાવનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી. આ સૂચિત ફર્નિચર પાર્કના રોડમેપને આખરી ઓપ આપવા માટે ઉદ્યોગકારોની એક ટીમ આગામી ૧૪ જૂનના રોજ નિયત કરાયેલી સાઇટની પ્રત્યક્ષ મુલાકાત પણ લેશે.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વ પટલ પર એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા અને વિશાળ બજાર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણ 'વિકસિત દેશ' બનવાના લક્ષ્ય સાથે ભારતે બ્રિટન, યુરોપિયન યુનિયન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે મુક્ત વ્યાપાર કરારો (FTA) કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ગરીબો અને ખેડૂતોના કલ્યાણની સાથે-સાથે ઉદ્યોગો માટે પણ અત્યંત અનુકૂળ વાતાવરણ પૂરું પાડનારી (Industry-friendly) સરકાર છે. પોરબંદર પાસે સમુદ્ર કિનારો અને પૂરતી જમીન ઉપલબ્ધ હોવાથી તે ઉદ્યોગો માટે શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ ધરાવે છે. આ ફર્નિચર પાર્કની અંદર ડિઝાઇનિંગ, સ્કીલિંગ સેન્ટર અને તમામ જરૂરી સુવિધાઓ એક જ છત્ર હેઠળ (One Umbrella) ઉપલબ્ધ બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આવનારી નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસીનો સીધો લાભ પોરબંદરના ફર્નિચર પાર્કના ઉદ્યોગકારોને મળશે.
આ પ્રસંગે રાજ્યના વન, પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ ફર્નિચર પાર્કનો વિચાર કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. પોરબંદર ૧૬મી સદીથી આફ્રિકા અને અખાતના દેશો સાથે સમુદ્રી વ્યાપારથી જોડાયેલું છે અને અહીં પરંપરાગત વહાણવટો તેમજ હોડી બનાવવાનો ઉદ્યોગ વર્ષોથી સમૃદ્ધ છે. વાપી-અમદાવાદ ગોલ્ડન કોરિડોરની સરખામણીએ પોરબંદરમાં સૌથી સસ્તી જમીન અને સસ્તા શ્રમિકો ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટ માટે ૧૦૦ હેક્ટર જમીનની પસંદગી કરીને સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર નજીક કુછડી પાસે અત્યાધુનિક ‘શિપ બિલ્ડિંગ ક્લસ્ટર’ તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ નક્કી કરાયો છે. કનેક્ટિવિટીના મામલે પોરબંદર ૫ નેશનલ હાઈવે, બ્રોડગેજ રેલ્વે અને સમુદ્રી પોર્ટની સુવિધાથી સજ્જ છે, તેમજ હવાઈ પરિવહન ક્ષેત્રે અહીંના એરપોર્ટ રનવેને ૧,૩૦૦ મીટરથી લંબાવીને ૩,૦૦૦ મીટર કરાઈ રહ્યો છે, જ્યાં ૨૫ જૂનથી અમદાવાદ-મુંબઈની દૈનિક ફ્લાઈટ્સ શરૂ થશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ દેશની સૌથી આકર્ષક નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી જાહેર કરશે અને કલેક્ટર કચેરીથી લઈને ગાંધીનગર સુધી તમામ સ્તરેથી રોકાણકારોને સૌથી ઝડપી મંજૂરીઓ અપાશે.
સમિટમાં વિશેષ ઉપસ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલીંગે પોરબંદરને 'ગ્લોબલ ફર્નિચર હબ' તરીકે વિકસાવવાના પ્રોજેક્ટને અદભુત ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. મહાત્મા ગાંધીની જન્મભૂમિની મુલાકાત બદલ ગૌરવ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, દેશની કુલ નિકાસમાં ૩૦% થી વધુ હિસ્સા સાથે ગુજરાત ભારતનું આર્થિક એન્જિન છે. તેમણે પોરબંદરના પરંપરાગત તથા આધુનિક ઉદ્યોગોના સમન્વયની પ્રશંસા કરીને અહીંનો ફર્નિચર ઉદ્યોગ બ્રિટનના બજારો સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) ના વીસી અને સીઈઓ ડૉ. અજય કુમારે કુછડી ખાતેના પ્રસ્તાવિત શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અંગે અને ઇન્ડસ્ટ્રી કમિશનર પી. સ્વરૂપે પોરબંદરના ઔદ્યોગિક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સમિટના અંતે પોરબંદર અને સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોરબંદર મનપા મેયર સાગર મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિતના સ્થાનિક અગ્રણીઓ, વેપારીઓ અને નિકાસકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
