<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

દેશ અને પ્રદેશમાં વિવિધ અકસ્માતોમાં જીવ ગુમાવનારા ૨૧ મૃતકોને પૂ. મોરારિબાપુ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ

ચિત્રકુટધામ તલગાજરડા તરફથી પીડિત પરિવારોને પ્રત્યેકને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ની સંવેદના સહાય કરાશે અર્પણ

તલગાજરડા : દેશ અને ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં સર્જાયેલી સામુહિક દુર્ઘટનાઓ અને ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં અકાળે કાળનો કોળિયો બનેલા ૨૧ આશાસ્પદ નાગરિકો પ્રત્યે સુપ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂ. મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ કપરી ઘડીમાં મૃતકોના શોકગ્રસ્ત પરિવારોને આર્થિક અને માનસિક પીઠબળ પૂરું પાડવા માટે પૂ. મોરારિબાપુની પ્રેરણાથી શ્રી ચિત્રકુટધામ તલગાજરડા આશ્રમ તરફથી સંવેદના સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ આપત્તિજનક સમયમાં પીડિત વારસદારોને પ્રત્યેક દીઠ રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ ની આર્થિક સહાય અર્પણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આશ્રમના સત્તાવાર સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ, દેશના જુદા-જુદા રાજ્યો અને સ્થાનિક ધોરીમાર્ગો પર બનેલી હૃદયદ્રાવક ઘટનાઓમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

 * **વિશાખાપટ્ટણમ દુર્ઘટના:** આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટણમ ખાતે આવેલા એક લોખંડના કારખાનામાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ધગધગતા લોખંડને કારણે દાઝી જવાથી કુલ ૮ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા.

 * **પાદરા માર્ગ અકસ્માત:** વડોદરાના પાદરા નજીક બનેલા એક ભયાનક વાહન અકસ્માતમાં અંપાડ ગામના રહેવાસી એવા ૪ સભ્યો કાળનો કોળિયો બન્યા હતા.

 * **જયપુર ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ:** રાજસ્થાનના જયપુર શહેરના ખોનાગોરિયા વિસ્તારમાં કાર્યરત એક ફટાકડાના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ૩ વ્યક્તિઓ જીવતી ભડથું થઈ ગઈ હતી.

 * **ભાવનગર-અમદાવાદ હાઈવે અકસ્માત:** ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર સનેસ ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભાવનગરના ૧ આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 * **વડોદરા-અમદાવાદ એક્સપ્રેસવે આગ:** વડોદરા-અમદાવાદ ધોરીમાર્ગ પર બે વાહનો વચ્ચે સર્જાયેલી પ્રચંડ અથડામણ બાદ ફાટી નીકળેલી આગમાં ભાવનગર જિલ્લાના મહુવા નજીકના ગામના વતની એવા ૧ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

 * **રાજકોટ-અમદાવાદ હાઈવે કરુણતા:** રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુચિયાદળ પાસે આવેલા રામપર ગામે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં કારખાનામાં મજૂરી કામ કરીને પરત ફરી રહેલી ચોટિલા નજીકના મોલડી ગામની ૪ ગરીબ મહિલા શ્રમજીવીઓ કાળનો કોળિયો બની હતી.

આમ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં બનેલી અલગ-અલગ છ જેટલી મોટી દુર્ઘટનાઓમાં કુલ ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થવા પામ્યા છે. પૂ. મોરારિબાપુએ આ તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી છે અને મહુવા નજીક આવેલા તેમના આશ્રમ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા આ તમામ ૨૧ પરિવારોના વારસદારો સુધી વહેલી તકે સંવેદના સહાયની રકમ પહોંચાડવા માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. પૂ. બાપુની આ માનવતાવાદી અભિગમની સંવેદનાને પગલે પીડિત પરિવારોમાં આશ્વાસનની લાગણી ફેલાઈ છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:47 PM IST)