<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

એસ.ટી. નિગમમાં સત્તાના નશામાં અંધ બનેલા ક્લાસ-૧ અધિકારીની શરમનાક કરતૂત: રજાના દિવસે ઘેર બોલાવી પુરુષ કર્મચારીઓનું જાતીય શોષણ કરનાર DME હિરેન રાવલ સસ્પેન્ડ!

દારૂ પીવડાવી ગુપ્ત ભાગોએ અડપલાં કરવાનો વીડિયો વાયરલ થતાં એક્શનમાં તંત્ર: બળજબરીથી ઘરકામ કરાવવા, માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

અમદાવાદ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના અમદાવાદ સ્થિત ચંડોળા સેન્ટ્રલ વર્કશોપમાંથી સરકારી તંત્ર અને સમાજને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. વર્કશોપમાં વર્ગ-૧ ના ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા વિભાગીય યાંત્રિક ઈજનેર (DME) હિરેન જી. રાવલ સામે ત્યાં કામ કરતા ૧૪ જેટલા હેલ્પરો અને કર્મચારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને જાતીય શોષણ કરવાના સનસનાટીપૂર્ણ આક્ષેપો કર્યા છે. આ ગંભીર મામલાનો એક પુરુષ કર્મચારી સાથે અડપલાં કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ એસ.ટી. નિગમ અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સક્ષમ સત્તાધિકારીના આદેશથી નરાધમ અધિકારી હિરેન જી. રાવલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે.

ચંડોળા વર્કશોપના પીડિત હેલ્પરોએ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સમક્ષ લેખિતમાં ન્યાયની ગુહાર લગાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ડીએમઇ હિરેન રાવલ રજાના દિવસોમાં પણ કર્મચારીઓની ખોટી ઓન ડ્યુટી (OD) ભરીને તેમને પરાણે પોતાના ઘરે બોલાવતા હતા. ઘરે બોલાવ્યા બાદ કર્મચારીઓ પાસે મજબૂરીનો લાભ લઈ ઘરકામ કરાવવું, ગાડી સાફ કરાવવી જેવા વ્યક્તિગત કામો કરાવવામાં આવતા હતા.

દારૂ પીવડાવી પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવતો, વીડિયો થયો વાયરલ

પીડિત કર્મચારીઓએ કરેલા આક્ષેપો એટલા ગંભીર છે કે જે સાંભળીને પણ રૂવાડાં ઊભાં થઈ જાય. ફરિયાદ મુજબ, અધિકારી પોતાના નિવાસસ્થાને કર્મચારીઓને બળજબરીપૂર્વક દારૂ પીવડાવતો હતો. ત્યારબાદ પોતે પણ નશાની હાલતમાં આવીને લાચાર પુરુષ કર્મચારીઓના શરીર તેમજ પ્રાઇવેટ પાર્ટ (ગુપ્ત ભાગો) પર અયોગ્ય રીતે હાથ ફેરવીને તેમનું માનસિક અને શારીરિક શોષણ કરતો હતો. આ ગંદી હરકતોનો વિરોધ કરનારા કર્મચારીઓ સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી. તાજેતરમાં જ આવો એક શરમજનક કરતૂત કરતો વીડિયો પુરાવા તરીકે સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો, જેનાથી એસ.ટી. નિગમની આબરૂના ધજાગરા ઉડ્યા હતા.

દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સખત કલમો હેઠળ ગુનો દાખલ

આ વિવાદ માત્ર સસ્પેન્શન સુધી સીમિત નથી રહ્યો, પરંતુ મામલો હવે જેલના સળિયા સુધી પહોંચ્યો છે. વર્કશોપના કર્મચારીઓ સાથે કથિત રીતે મારામારી અને લોહીલુહાણ દ્રશ્યો સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આરોપી અધિકારી હિરેન જી. રાવલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ જાહેર સન્માનમાં અપમાન કરવા, સ્વેચ્છાએ ગંભીર ઈજાઓ પહોંચાડવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ પાવર અને હોદ્દાનો દુરુપયોગ કરી બળજબરીપૂર્વક અકુદરતી સેક્સ્યુઅલ એબ્યુઝ (અકુદરતી જાતીય શોષણ) કરીને કર્મચારીઓનો જીવ જોખમમાં મૂકવા બદલ પ્રથમ દ્રષ્ટિએ ગુનો સાબિત થયો છે. પોલીસ હાલ આ મામલે ફરજ મોકૂફ કરાયેલા અધિકારીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી ક્ષેત્રમાં બનેલી આ વિકૃત ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે.

(11:00 PM IST)