News of Saturday, 13th June 2026
આસ્થાનું અનુપમ દ્રશ્ય: ICC ના ચેરમેન જય શાહે જગતજનની મા અંબાના આશીર્વાદ લીધા, અંબાજી મંદિરમાં કરાવી વિશેષ પૂજા-અર્ચના
મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત બાદ ભટ્ટજી મહારાજની ગાદી પર જઈ જય શાહે લીધા આશીર્વાદ, સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ કરી પ્રભુ ભક્તિ

અંબાજી : ક્રિકેટ જગતના દિગ્ગજ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહ આજે પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને આસ્થાના પ્રતીક સમાન યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચેલા જય શાહનું મંદિર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચતા જ તેમનું સ્વાગત પરંપરાગત રીત-રિવાજો મુજબ કરવામાં આવ્યું હતું, જે જોઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરીને જય શાહે મા અંબાના વિધિવત દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીઓ દ્વારા તેમને માતાજીની પ્રસાદીરૂપ ચુંદડી અને વિશેષ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ક્ષણ અત્યંત પાવનકારી બની રહી હતી, જ્યારે તેમણે અંબાજી મંદિરની પરંપરા મુજબ ભટ્ટજી મહારાજની ગાદી પર જઈને આશીર્વાદ મેળવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી તેમણે ગુજરાતના આ પવિત્ર શક્તિપીઠમાં ધન્યતા અનુભવી હતી.
ગણપતિ બાપ્પાના શરણે પહોંચ્યા જય શાહ
મા અંબાના દર્શન અને આશીર્વાદ લીધા બાદ, જય શાહે અંબાજી મંદિર પરિસરમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે પણ ખાસ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે વિધ્નહર્તા ગણપતિ દેવની પૂજા કરી હતી અને દેશ તથા ક્રિકેટ જગતની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ પાવન પ્રસંગે સ્થાનિક પૂજારીઓ દ્વારા તેમને કંકુનું તિલક કરી વિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
અંબાજીના આંગણે જય શાહની આ ધાર્મિક મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો તેમને જોવા માટે એકત્રિત થયા હતા. ક્રિકેટની દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરનાર જય શાહની આ સાદગીભરી અને ભક્તિમય મુલાકાત ચર્ચાનો વિષય બની હતી. મંદિરમાં દર્શન પૂર્ણ કરી તેઓ માતાજીના આશીર્વાદ સાથે આગળના કાર્યક્રમો માટે રવાના થયા હતા.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
