તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 14th June 2026
સાવલી યુવા મોરચા પ્રમુખ આપઘાત કેસમાં નવો વળાંક; મૃતકના પિતાએ ડેસર PI વિરૂદ્ધ આપી ગંભીર અરજી
પોલીસ અધિકારીઓની કનડગતના કારણે પુત્રએ આત્યંતિક પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ; DYSP સાવલી દોડી આવતા તપાસનો ધમધમાટ તેજ

સાવલી (વડોદરા): વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખના આપઘાત મામલે નવો વળાંક આવતા મૃતકના પરિવારે ન્યાય માટે કાયદાકીય લડત શરૂ કરી છે. આત્મહત્યાના આ ગંભીર કિસ્સામાં મૃતક યુવકના પિતાએ સાવલી પોલીસ સ્ટેશન ખાતે એક સત્તાવાર લેખિત અરજી સબમિટ કરી છે, જેમાં પોલીસ વિભાગના જ ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારનો આરોપ છે કે જવાબદાર વ્યક્તિઓની કનડગત અથવા નકારાત્મક ભૂમિકાના કારણે જ તેમના પુત્રને આ આત્યંતિક પગલું ભરવા મજબૂર થવું પડ્યું છે.
મૃતક પ્રમુખના પિતા દ્વારા આપવામાં આવેલી આ સત્તાવાર અરજીમાં ડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કે.સી. પટેલ, જમાદાર કિરણસિંહ અને અન્ય એક પોલીસ કર્મચારી કલ્પેશભાઈના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારનો આરોપ છે કે આ જવાબદાર વ્યક્તિઓની કનડગત અથવા ભૂમિકાના કારણે જ આ આત્યંતિક પગલું ભરવું પડ્યું છે. પરિવારે આ તમામ જવાબદારો સામે તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની માંગ પર અડગ રહેશે તેમ જણાવ્યું છે.
આ હાઈપ્રોફાઈલ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) પોતે તાત્કાલિક સાવલી પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. DYSPએ ઘટનાસ્થળે પહોંચીને અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને પિતા દ્વારા આપવામાં આવેલી અરજીની ઝીણવટભરી માહિતી મેળવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીના આગમન બાદ આ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હાલ યુવકના આપઘાત પાછળના સાચા કારણો શોધવા માટે ટેકનિકલ પુરાવા અને અન્ય નિવેદનો નોંધીને આગળની તપાસ ચલાવી રહી છે.
સત્તાધારી પક્ષના યુવા નેતાના આપઘાત પાછળ જ્યારે ખુદ પોલીસ પ્રશાસનના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે, ત્યારે આ કેસ વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. હાલ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા મૃતકના મોબાઈલ ફોનની વિગતો, કોલ ડિટેઈલ્સ (CDR) અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ફોરેન્સિક તપાસ (FSL) કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં DYSP કક્ષાના અધિકારી દ્વારા આ લેખિત અરજીના આધારે સંબંધિત પોલીસ કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ગુનો નોંધવા સહિતના કડક પગલાં લેવાશે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
