તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 14th June 2026
ખેડાના ગળતેશ્વર માર્ગે ગમખ્વાર અકસ્માત: બ્રેક ફેલ થતાં જ મહિલા મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ પલટી, ૧ મહિલાનું મોત
યાત્રાધામ જઈ રહેલી બસ રોડ સાઈડના ખાડામાં ખાબકતાં પચીસ ફૂટ સુધી ઢસડાઈ; ૫૫થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

ખેડા:ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આજની સવાર ભારે અમંગળ સાબિત થઈ છે. ગળતેશ્વર જવાના માર્ગ પર મહિલા મુસાફરોથી ખીચોખીચ ભરેલી એક ખાનગી લક્ઝરી બસની બ્રેક અચાનક ફેલ થઈ જતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે બસમાં સવાર ૫૫થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
અકસ્માત એટલો સર્જરીક હતો કે બસ પલટી માર્યા બાદ અંદાજે ૨૫ ફૂટ જેટલી ઘસડાઈ હતી, જેના કારણે બસની અંદર ચીસાચીસ અને કરૂણ આર્તનાદ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કાચ તોડીને બસમાં ફસાયેલી લોહીલુહાણ મહિલાઓ અને અન્ય મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.
૧૦૮ એમ્બ્યુલન્સની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ૫૫થી વધુ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિક પોલીસ કાફલો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પવિત્ર યાત્રાધામના દર્શને નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
