News of Sunday, 14th June 2026
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ :કલેક્ટર દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરાઈ
વિવાદિત સ્મારકને નુકસાન પહોંચાડતી તમામ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ :મસ્જિદના વર્તમાન સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા પર પણ રોક લગાવી દેવાઈ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને હાલમાં એક મોટો વિવાદ ઊભો થયો છે. વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવેલા દાવાઓ અને આગામી 15મી જૂને જૈન શ્રદ્ધાળુઓના સંભવિત આગમનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આ સંવેદનશીલ મુદ્દે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
સ્વામી મુક્તાનંદજી અને જૈન સમાજના સંતો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્થળ વાસ્તવમાં પ્રાચીન 'સમડી વિહાર' જૈન દેરાસર છે. અહીના એક જૂના ભોંયરાને ખોલતી વખતે જૈન ભગવાનની મૂર્તિઓ મળી આવી હોવાનો પણ દાવો કરાયો છે. આ સ્થળ શ્રીચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો પણ વિવાદમાં નવો વળાંક લાવી રહ્યો છે. બીજી તરફ, જામા મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા આ સ્થળ મસ્જિદ જ હોવાનો મક્કમ દાવો કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર વિવાદ અંગે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, જ્યુડિશીયલ એટલે કે ન્યાયિક રીતે જે પણ નિર્ણય આવશે તે સરકાર માન્ય રાખશે. હાલમાં સૌની નજર પુરાતત્વ વિભાગ (ASI)ના સત્તાવાર નિવેદન પર ટકેલી છે.
આગામી 15મી જૂને ભરૂચમાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડવાના અહેવાલોને પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ વિવાદિત સ્મારકને નુકસાન પહોંચાડતી તમામ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસ્જિદના વર્તમાન સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે જેથી શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
