તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 14th June 2026
સેવાલીયા પાસે ભયંકર અકસ્માત :સાણંદના યાત્રાળુઓથી ભરેલી ખાનગી બસ પલટી:એક વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત :21 લોકોને ઇજા
સેવાલીયા રોડ પર લહેરીપુરા પાસે બસના ચાલકે કોઈ કારણોસર બસ રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો:ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આખી બસ બેકાબૂ થઈને રોડ પર જ પલટી મારી ગઈ

પંચમહાલ જિલ્લાના સેવાલીયા પાસે એક ભયંકર અકસ્માત થયું હોવાની ઘટના સામે આવી છે, જ્યાં સાણંદના યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી મારી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 21થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે આસપાસના લોકો અને તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ખેડાના સેવાલીયા લહેરીપુરા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતની વિગત એવી છે કે, સાણંદ જિલ્લાના ઇયાવા ગામના આશરે 45થી વધુ મહિલા યાત્રાળુઓ ખાનગી બસમાં સવાર થઈને પ્રવાસ પર નીકળ્યા હતા. આ તમામ યાત્રાળુઓ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરીને ગળતેશ્વર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સેવાલીયા રોડ પર લહેરીપુરા પાસે બસના ચાલકે કોઈ કારણોસર બસ રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આખી બસ બેકાબૂ થઈને રોડ પર જ પલટી મારી ગઈ હતી. બસ પલટી જતાં જ અંદર બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. બસમાં સવાર યાત્રાળુઓમાં મોટા ભાગે સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ મહિલાઓનો સમાવેશ થતો હતો.
અકસ્માતની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી બસમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ભોગ બનેલા 40થી વધુ મુસાફરો પૈકીના ગંભીર રીતે ઘવાયેલા 21 જેટલા ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક ધોરણે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ ઈમરજન્સી અને આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે તાબડતોબ વધારાના તબીબોની ટીમ અને નર્સિંગ સ્ટાફને ઈમરજન્સી વિભાગમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ ઇજાગ્રસ્ત વૃદ્ધોની સઘન અને તાકીદની સારવાર ચાલી રહી છે, જ્યાં તબીબો તેમની તબિયત પર સતત દેખરેખ રાખી રહ્યા છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
