તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th June 2026
સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ’ ડ્રાઈવ હેઠળ ક્રાઇમ બ્રાન્ચના વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમાં પીઆઈ હિતેશ ગઢવીની ટીમનું કલકત્તામાં ઓપરેશન : અઢી કરોડની છેતરપિંડીના ૪ ગુનામાં ૪ વર્ષથી વોન્ટેડ આરોપી મુકેશ અગ્રવાલ ઝડપાયો
સારોલીમાં બે ફર્મ ખોલી વેપારીઓ સાથે સાડીના માલના નામે વિશ્વાસઘાત કરનાર નરાધમને નાસતા ફરતા સ્કોડે દબોચ્યો : પાંડેસરા, ખટોદરા અને પુણા પોલીસ સ્ટેશનની કરોડોની ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલાયો

રાજકોટ:સુરત શહેરમાં ગંભીર પ્રકારના આર્થિક ગુનાઓ આચરીને કાયદાની પકડથી દૂર ભાગતા ગુનેગારો સામે સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ’ અંતર્ગત એક ખાસ મુહિમ છેડવામાં આવી છે. આ ડ્રાઈવ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોતાના જૂના રેકોર્ડ બ્રેક કરી રહી છે. મહે. પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ (ગુ.રા. ગાંધીનગર) દ્વારા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જાહેર કરાયેલી ડ્રાઈવ અન્વયે ક્રાઈમ બ્રાન્ચના વડા કરણરાજ વાઘેલાના સીધા માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના સક્ષમ નેતૃત્વ હેઠળની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી અને સ્ટાફ દ્વારા પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે એક વિશેષ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ હાઈ-લેવલ ઓપરેશન દરમિયાન વર્ષ ૨૦૨૨ થી સુરત શહેરના અલગ-અલગ ત્રણ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડીના ૪ ગંભીર ગુનાઓમાં છેલ્લા ૪ વર્ષથી વોન્ટેડ મુખ્ય આરોપી મુકેશ સુરેશ અગ્રવાલને કલકત્તાથી દબોચી લેવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
ક્રાઈમ બ્રાન્ચના સત્તાવાર અહેવાલ અનુસાર, પકડાયેલ મુખ્ય આરોપી મુકેશ સુરેશ અગ્રવાલ (ઉં.વ. ૩૭, ધંધો-વેપાર) મૂળ સારોલી સુરતના બી-૭/૪૦૧, મોડેલ ટાઉન રેસીડેન્સીનો વતની છે અને હાલ પોતાની ધરપકડ ટાળવા માટે બિલ્ડીંગ નંબર-૭, ફ્લેટ નં-૬/બી, ડ્રીમ રેસીડેન્સી મનોર, રાજારહટ મેઈન રોડ, સલુઆ બજાર, કલકત્તા (પશ્ચિમ બંગાળ) ખાતે છુપાઈને રહેતો હતો. આ આરોપી લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો, જેથી અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ભાવેશ રોજિયા અને મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી અને પો.સ.ઇ. સહિતની ટીમ સતત વર્કઆઉટમાં હતી.
દરમિયાન, નાસતા ફરતા સ્કોડના પોલીસ જવાનોને એક અત્યંત આંતરિક અને આધારભૂત બાતમી હકીકત મળી હતી કે આરોપી મુકેશ અગ્રવાલ પોતાની ઓળખ છુપાવવા માટે અલગ-અલગ અજાણ્યા લોકોના નામે મેળવેલા સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે અને વારંવાર પોતાના રહેઠાણના સ્થળો બદલી રહ્યો છે. તે હાલ તેના મૂળ વતન કલકત્તાના બડા બજાર વિસ્તારમાં આવીને ગુપ્ત રીતે કપડાનો વેપાર ધંધો શરૂ કરી ચૂક્યો છે. આ સચોટ માહિતી મળતાં જ પીઆઈ હિતેશ ગઢવીના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની એક ખાસ ટીમને તાત્કાલિક કલકત્તા રવાના કરવામાં આવી હતી અને ત્યાં સ્થાનિક સ્તરે જાળ બિછાવીને આરોપીને તેના અડ્ડા પરથી આબાદ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ચકચારી કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૨ માં આરોપી મુકેશ સુરેશ અગ્રવાલ તથા તેના અન્ય સહ-આરોપીઓએ પરસ્પર ગુનાહિત કાવતરું રચીને સુરતના સારોલી વિસ્તારમાં ‘શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝ’ તથા ‘શ્રી રાજઘરાણા ઈમ્પેક્ષ’ ના નામે અલગ-અલગ બે બોગસ ફર્મ શરૂ કરી હતી. આ ફર્મના ઓથા હેઠળ તેમણે સ્થાનિક બજારના કાપડ વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો. ત્યારબાદ, ખટોદરા, પાંડેસરા અને પુણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુલ ૪ મોટા કાપડ વેપારીઓ પાસેથી અંદાજે અઢી કરોડ રૂપિયાની કિંમતનો સાડીઓનો માલ કરીદી લીધો હતો. વેપારીઓને પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આ શખ્સો રાતોરાત પોતાની બંને ફર્મ અને દુકાનો કાયમ માટે બંધ કરીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાસી ગયા હતા.
આ મહાઠગ વિરૂદ્ધ નોંધાયેલા વોન્ટેડ ગુનાઓની વિગતવાર યાદી નીચે મુજબ છે:
૧) ખટોદરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૨૩૨૨૦૧૧૩/૨૦૨૨ (રૂ. ૩૦,૩૯,૬૭૮/- ની સાડીના માલની છેતરપિંડી).
૨) ખટોદરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૨૧૦0૨૩૨૨૦૧૧૪/૨૦૨૨ (રૂ. ૪૯,૪૧,૧૩૧/- ની મત્તાની છેતરપિંડી).
૩) પાંડેસરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૪૫૨૨૦૪૩૭/૨૦૨૨ (રૂ. ૧,૧૫,૬૭,૫૦૬/- ની મત્તાની છેતરપિંડી) - આ ગુનામાં નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરૂદ્ધ CrPC કલમ-૭૦ મુજબનું પકડ વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવેલું હતું.
૪) પુણા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૪૫૨૨૦૫૩૨/૨૦૨૨ (રૂ. ૧૮,૭૪,૨૨૬/- ની મત્તાની છેતરપિંડી).
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે કલકત્તાથી ટ્રાન્સપોર્ટ ઓપરેશન પૂરું કરીને આરોપીનો વિધિવત કબજો મેળવ્યો છે અને તેના વિરૂદ્ધ કાયદેસરની જેલ ટ્રાન્સફરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મુકેશ અગ્રવાલને આગળની વધુ તપાસ અને રિમાન્ડની પ્રક્રિયા અર્થે સંબંધિત ખટોદરા, પાંડેસરા અને પુણા પોલીસ સ્ટેશનને સોંપવા માટેની સઘન તજવીજ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની આ રેકોર્ડબ્રેક કામગીરીથી સુરતના વેપારી આલમમાં ભારે રાહતની લાગણી ફેલાઈ છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
