<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

અમદાવાદમાં મેટ્રિમોનિયલ સાઈટ પર ‘આદિત્ય પટેલ’ બની વિધવા મહિલાઓ સાથે ઠગાઈ આચરનાર કરીમ સિપાઈને દબોચતી ક્રાઈમ બ્રાંચ : ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને જોઇન્ટ પોલીસ કમિશ્નરનું સફળ માર્ગદર્શન

ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાંચ અને મહિલા પોલીસ મથક (પશ્ચિમ)નું સંયુક્ત ઓપરેશન : નકલી દસ્તાવેજોના આધારે પ્રેમજાળમાં ફસાવી રોકડ અને વાહનો પડાવતા કડીના રીઢા ગુનેગારની ધરપકડ

રાજકોટ:શહેરમાં મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી પોતાની અસલી ધાર્મિક અને સામાજિક ઓળખ છુપાવીને એકલવાયું જીવન જીવતી વિધવા મહિલાઓને લગ્નની લાલચ આપી આર્થિક છેતરપિંડી આચરતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને જોઇન્ટ પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતૃત્વ હેઠળની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને આ આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને મહિલા પોલીસ મથક (પશ્ચિમ) દ્વારા આ મામલે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરાઈ છે.
આ ચકચારી કેસની વિગત અને આરોપીની મોડસ ઓપરેન્ડી (Modus Operandi) અંગે પોલીસ વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી કરીમ રફીકભાઈ સિપાઈ (રહેવાસી- સરઘાતાની ઘાટી, કડી, જી. મહેસાણા) નામનો ઈસમ જાણીતી મેટ્રિમોનિયલ (જીવનસાથી) વેબસાઈટ પર સક્રિય હતો. તે આ સાઈટ પર "આદિત્ય પટેલ" ના નામે પોતાની ખોટી અને બોગસ પ્રોફાઈલ બનાવીને હિન્દુ તરીકેની નકલી ઓળખ આપતો હતો. આ નકલી પ્રોફાઈલના આધારે તે વિધવા મહિલાઓનો સંપર્ક કરી તેમને જાળમાં ફસાવવાનું શરૂ કરતો હતો.
પોતાની પ્રેમજાળમાં મહિલાઓને મજબૂતીથી ફસાવવા માટે તે ગંભીર ભાવનાત્મક શોષણનો સહારો લેતો હતો. આરોપી કરીમ સિપાઈ પોતે વિધુર છે એટલે કે તેની પત્ની મૃત્યુ પામી છે અને પોતે નિઃસંતાન હોવાનું જણાવી મહિલાઓ સમક્ષ સહાનુભૂતિ મેળવતો હતો. ભોગ બનનાર મહિલાઓને પોતાના તરફ આકર્ષિત કરી લગ્નનો પાકો વિશ્વાસ આપવા માટે આરોપી પોતાના નામના નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજો તેમજ પત્નીના મરણના ખોટા પ્રમાણપત્રો પણ સોશિયલ મીડિયા પર મોકલી આપતો હતો. એકવાર ભોગ બનનાર મહિલાનો પૂર્ણ વિશ્વાસ જીત્યા બાદ, આરોપી લગ્નની લાલચ આપી અલગ-અલગ બહાના હેઠળ મોટી રકમની રોકડ તેમજ કિંમતી વાહનો પડાવી લઈ આર્થિક અને ભૌતિક છેતરપિંડી આચરતો હતો.
આ આખી ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ભોગ બનનાર મહિલા સાથે ફોન પર વાતચીત દરમિયાન કૉલર આઈડી (Caller ID) એપ્લિકેશનમાં આરોપીનું શંકાસ્પદ નામ ડિસ્પ્લે થયું હતું. આથી મહિલાને શંકા જતાં તેણે આરોપીએ આપેલા સરનામે ખાનગી તપાસ કરાવી હતી, જે ખોટું હોવાનું માલૂમ પડ્યું હતું. ભોગ બનનાર મહિલા દ્વારા દસ્તાવેજો અને હકીકતોની પૂરતી ખરાઈ કરાવતા જ આઘાતજનક ખુલાસો થયો હતો કે, પોતાને હિન્દુ ગણાવતો "આદિત્ય પટેલ" અસલમાં મહેસાણાના કડીનો મુસ્લિમ શખ્સ "કરીમ સિપાઈ" છે. ભોગ બનનાર મહિલા દ્વારા તુરંત જ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પોલીસની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. ડીસીપી અજિત રાજિયાણની ટીમે ટેકનિકલ સોર્સિસની મદદથી ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી કરીમ રફીકભાઈ સિપાઈને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા હાલ આરોપીની કસ્ટડી મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેના દ્વારા ભૂતકાળમાં અન્ય કેટલી મહિલાઓ આ પ્રકારે ભોગ બની છે અને તેણે કયા-કયા વિસ્તારોમાં આ પ્રકારની ઠગાઈ આચરી છે. આ સફળ કામગીરી બાદ અમદાવાદ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ મેટ્રિમોનિયલ સાઈટ કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે સંપર્ક કરતી વખતે સાવચેતી રાખવી અને તેમના દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની પૂરતી સરકારી ચકાસણી કર્યા બાદ જ આગળના વ્યવહારો કરવા.

(6:21 PM IST)