<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

દાહોદ જિલ્લામાં આંતર રાજ્ય વાહન ચોરી ગેંગનો પર્દાફાશ : દેવગઢ બારીયા પોલીસને મોટી સફળતા :5 બાઈક સાથે આરોપી ઝડપાયો

શાતિર આરોપી રાત્રિના સમયે સોસાયટીઓ અને જાહેર સ્થળો પર રેકી કરતો હતો અને માસ્ટર કી અથવા સ્ટેરીંગ લોક તોડીને ક્ષણભરમાં બાઈક લઈને ફરાર થઈ જતો

દાહોદ જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ ડામવા માટે પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. તાજેતરમાં જ દેવગઢ બારીયા પોલીસે વાહન ચોરીના ગુનાઓનો પર્દાફાશ કરવામાં એક મોટી સફળતા મેળવી છે. પોલીસની આ કાર્યવાહીથી આંતરરાજ્ય વાહન ચોર ટોળકીના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

દેવગઢ બારીયા પોલીસે બાતમીના આધારે સઘન ચેકિંગ હાથ ધરીને દાહોદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના એક સક્રિય આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી બાલગીર તોમર તરીકે થઈ છે, જેની પાસેથી પોલીસે ચોરીની કુલ ૫ મોટર સાઈકલ કબજે કરી છે. આ શાતિર આરોપી રાત્રિના સમયે સોસાયટીઓ અને જાહેર સ્થળો પર રેકી કરતો હતો અને માસ્ટર કી અથવા સ્ટેરીંગ લોક તોડીને ક્ષણભરમાં બાઈક લઈને ફરાર થઈ જતો હતો. 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દાહોદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા સરહદી જિલ્લાઓમાંથી અસંખ્ય વાહનોની ચોરી કર્યાની ચોંકાવનારી કબૂલાત કરી છે. વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી માત્ર વાહન ચોરી જ નહીં, પરંતુ રાયોટીંગ, અપહરણ અને પ્રોહિબિશન (દારૂબંધી) જેવા કુલ ૧૨ જેટલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતો ફરતો હતો. હાલમાં પોલીસે તમામ બાઈક જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને આ ટોળકીમાં અન્ય કેટલા સ્થાનિક લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

(10:37 PM IST)