તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 14th June 2026
સુરત નાસીરનગરના ડિમોલિશન કાંડને 16 દિવસ પૂર્ણ: 84 પરિવારો માટે હવે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ આક્ષેપ કર્યો કે, વહીવટી તંત્ર અને વચેટિયાઓ દ્વારા અસરગ્રસ્તોને આર્થિક પ્રલોભનો આપીને કે ડરાવી-ધમકાવીને 'સ્વૈચ્છિક ડીમોલીશન' જેવું દર્શાવવાનો પ્રયાસ કરાઈ છે

સુરતના નાસીરનગરમાં હાથ ધરવામાં આવેલા ડીમોલીશનની ઘટનાને આજે 16 દિવસ પૂર્ણ થયા છે, પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ સમગ્ર મામલાની તપાસ માટે મનપા કમિશનર દ્વારા કમિટીની રચના કરવામાં આવી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કાર્યવાહી ન થતા અસરગ્રસ્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે- ડીમોલીશનને 16 દિવસ વીતી ગયા છે, પરંતુ આ 84 પરિવારો માટે હવે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, મનપા અને પોલીસ તંત્ર દ્વારા અત્યાચારનો ભોગ બનેલા આ પરિવારોને હવે અલગ-અલગ રીતે દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અસ્લમ સાયકલવાલાએ આક્ષેપ કર્યો છે કે, વહીવટી તંત્ર અને વચેટિયાઓ દ્વારા અસરગ્રસ્તોને આર્થિક પ્રલોભનો આપીને કે ડરાવી-ધમકાવીને 'સ્વૈચ્છિક ડીમોલીશન' જેવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે- અમારી સામે હજુ સુધી એવો એક પણ વ્યક્તિ નથી આવ્યો જેણે પોતાની મરજીથી આ કામ કર્યું હોય. તંત્ર અને દલાલો મારફતે લોકો પર દબાણ નાખવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂપ થઈ જાય.
જોકે, પૂર્વ કોર્પોરેટરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ તમામ દબાણો છતાં 70 ટકાથી વધુ પરિવારો ન્યાય મેળવવા માટે અડીખમ ઉભા રહેશે. તેમણે કહ્યું કે- આ પરિવારો કોઈ પણ આર્થિક પ્રલોભનમાં આવવાના નથી. જે લોકોએ અત્યાચાર કર્યો છે તેમને સજા મળે અને અસરગ્રસ્તોને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.
નાસીરનગર ડીમોલીશનના આખા કાંડમાં પ્રથમ દિવસથી જ એક મહત્વનો પ્રશ્ન અકબંધ છે, જે આજે 16મા દિવસે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આટલા મોટાપાયે હાથ ધરવામાં આવેલી તોડફોડની કાર્યવાહી આખરે કયા સક્ષમ અધિકારીના આદેશથી કરવામાં આવી? સુરત મહાનગરપાલિકા પાસે આ કાર્યવાહી માટે કોઈ લેખિત મંજૂરી કે સત્તાવાર દસ્તાવેજ ઉપલબ્ધ છે ખરા?
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
