<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

અધિક માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસના પવિત્ર સંયોગે ભગવાન શામળિયાના દર્શન કરવા શ્રદ્ધાળુઓનું કિડીયારું ઊભરાયું

દૂર-દૂરથી આવેલા હજારો ભક્તોના પગલાંથી શામળાજી નગરી ગુંજી ઊઠી : કાળિયા ઠાકરના દરબારમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો

ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આજે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પવિત્ર અધિક માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસના પવિત્ર સંયોગે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કિડીયારું ઊભરાયું હતું. દૂર-દૂરથી આવેલા હજારો ભક્તોના પગલાંથી શામળાજી નગરી ગુંજી ઊઠી હતી અને કાળિયા ઠાકરના દરબારમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો હતો.

અધિક માસના અંતિમ દિવસ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા ભગવાન શામળિયાને અત્યંત આકર્ષક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શામળિયાના આ મનોહર અને તેજોમય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો કાળિયા ઠાકરના ચરણોમાં સીસ ઝુકાવવા પહોંચ્યા હતા. ભક્તોના જય શામળિયાના નારાથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું.

 

શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર સોમવતી અમાસના દિવસે પિતૃઓના મોક્ષ અને કલ્યાણ માટે ભગવાનના દર્શન તેમજ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવાનું અનંત પુણ્યશાળી માનવામાં આવે છે. આ ધાર્મિક મહાત્મ્યને પગલે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ ભક્તોએ પિતૃમોક્ષ અર્થે શામળાજી મંદિર પરિસરમાં આવેલા પવિત્ર પીપળાના વૃક્ષની વિધિવત પૂજા-અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી. પિતૃ તર્પણ અને દાન-પુણ્ય માટે પણ ભક્તોએ વહેલી સવારથી જ મેશ્વો નદીના કિનારે અને મંદિરમાં ભીડ જમાવી હતી.

 

અધિક માસના પવિત્ર દિવસોની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસના અવસરે મંદિર પરિસરમાં એક અનોખો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન અને પ્રદક્ષિણા કર્યા બાદ ભક્તિભાવમાં લીન બનેલી મહિલાઓ મંદિર પરિસરમાં જ કાળિયા ઠાકરના ભજનો અને કીર્તનના તાલે નાચી ઊઠી હતી. ભક્તોના આનંદ અને નૃત્યથી વાતાવરણ સંપૂર્ણપણે આધ્યાત્મિક અને દિવ્ય બની ગયું હતું.

 

સ્થાનિક દર્શનાર્થીઓ પદમા બેન અને સ્મિતા બહેનના જણાવ્યા અનુસાર, અધિક માસના છેલ્લા દિવસે કાળિયા ઠાકરના દર્શનનું અદકેરું મહત્વ છે, અને આજના દિવસે અહીં આવીને પીપળાની પ્રદક્ષિણા કરવાથી મનને પરમ શાંતિ મળે છે અને પિતૃઓ તૃપ્ત થાય છે.

 

(2:22 PM IST)