<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી: NEET પેપર લીક કરાવી દેવાની લાલચ આપી વિદ્યાર્થીઓને ઠગતા રાજસ્થાનના બે આરોપીઓ ઝડપાયા, પોલીસે ઉચ્ચ તકનીકી સર્વેલન્સથી દબોચ્યા

ભવિષ્યના ડોક્ટર બનવાના સપના દેખાડી લાખો રૂપિયા પડાવતી ગેંગનો ભાંડો ફૂટ્યો, અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનમાંથી બંને આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ તા.૧૫ : NEET UGની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓને ડરાવી-ધમકાવીને ઠગાઈ કરતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. NEETનું પેપર લીક કરાવી આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવનાર રાજસ્થાનની ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી કરવામાં આવી છે.

 

પોલીસ તપાસ મુજબ, આરોપીઓ સોશિયલ મીડિયા, વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા હતા. તેઓ પોતાને NTAના ઉચ્ચ અધિકારી કે પેપર સેટિંગ કરનાર એજન્સીના માણસ તરીકે ઓળખ આપતા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને કહેતા કે 15થી 25 લાખ રૂપિયાના બદલામાં પરીક્ષાના 24 કલાક પહેલા ઓરિજિનલ પેપર મોકલી આપવામાં આવશે. ઘણા વાલીઓ પોતાના સંતાનના ભવિષ્યના ડરથી પૈસા આપી દેતા હતા, પરંતુ પેપર તો ઠીક, પરીક્ષા પછી પણ આરોપીઓ ફોન બંધ કરી દેતા હતા.

 

અમદાવાદના એક વાલીએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ એનાલિસ શરૂ કર્યું હતું. બેંક એકાઉન્ટ, UPI ID અને મોબાઈલ નંબરના આધારે પોલીસ રાજસ્થાનના ભરતપુર અને અલવર વિસ્તાર સુધી પહોંચી હતી. ત્યાંથી ગેંગના બે મુખ્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અનેક મોબાઈલ, સિમ કાર્ડ, બેંક પાસબુક અને રોકડ રકમ કબજે કરી છે.

 

પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે છેલ્લા એક વર્ષમાં તેઓએ ગુજરાત સહિત અનેક રાજ્યોના 50થી વધુ વાલીઓને પોતાનો શિકાર બનાવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગેંગના અન્ય સાગરિતોને શોધી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસે વાલીઓને અપીલ કરી છે કે આવી કોઈપણ લાલચમાં ન ફસાય અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

 

આ સમગ્ર કાર્યવાહીનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ આરોપીઓને રાજસ્થાનથી લઈને આવતી જોવા મળી રહી છે.

 

(3:48 PM IST)