<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે : 15 જૂન બાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બનશે

અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં બનનારી સિસ્ટમથી ગુજરાતમાં ચોમાસુ જોર પકડશે, દક્ષિણ ગુજરાતથી શરૂ થઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદ ફેલાશે : ખેડૂતો માટે મહત્વની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂતો અને સામાન્ય જનતા ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે મોટી આગાહી કરી છે.

 

અંબાલ પટેલના મતે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ નિયત સમય કરતા થોડું વહેલું બેસવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે અરબ સાગરમાં સર્જાનારી એક નવી સિસ્ટમને કારણે જૂનના બીજા અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થશે. ત્યારબાદ 15 જૂન બાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બનશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 20 જૂન સુધીમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસી જશે તેવી તેમની આગાહી છે.

 

અંબાલ પટેલે કહ્યું કે આ વખતે ચોમાસુ સારું રહેશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યના મોટાભાગના ભાગોમાં સરેરાશથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે. જોકે, તેમણે એવી પણ ચેતવણી આપી કે ચોમાસાની શરૂઆતમાં જ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય તો ખેડૂતોએ વાવણી કરવામાં ઉતાવળ ન કરવી.

 

હવામાન વિભાગે પણ આગામી 5 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અંબાલ પટેલ અને IMDની આગાહીને ધ્યાનમાં રાખીને વાવણીનું આયોજન કરે.

 

હાલમાં ગુજરાતમાં ગરમી અને બફારો યથાવત છે, પરંતુ આગામી સપ્તાહથી વાતાવરણમાં પલટો આવવાની પૂરી શક્યતા છે.

(4:26 PM IST)