<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ગાંધીનગરમાં ‘ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬’ જાહેર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગો માટે કસ્ટમાઇઝ્ડ પ્રોત્સાહનો આપતી ઐતિહાસિક નીતિ દેશ સમક્ષ મૂકી

ગુજરાતને USD ૩.૫ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા માટે ૨૧ હાઇ-ગ્રોથ થ્રસ્ટ સેક્ટર્સની કરાઈ ઓળખ : એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, મહિલા સાહસિકો અને સંશોધન-વિકાસ (R&D) માટે કરોડો રૂપિયાના વિશેષ ઇન્સેન્ટિવ પેકેજ સાથે આકર્ષક રોકાણ ગંતવ્ય બનશે રાજ્ય

ગાંધીનગર:ગુજરાતને વર્ષ ૨૦4૭ સુધીમાં ૩.૫ ટ્રિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં અને "વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭" ના રાષ્ટ્રીય ધ્યેયને ઝડપી વેગ આપવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી એક નિર્ણાયક અને ઐતિહાસિક પગલા તરીકે ‘ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬’ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આ ભવ્ય નીતિ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામીત, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી નટરાજન, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ભવિષ્યના ઉદ્યોગો માટે સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ - ભુપેન્દ્રભાઈ પટેલ:

નીતિની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ નવી ઔદ્યોગિક નીતિ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારો એક સર્વગ્રાહી અને પરિવર્તનકારી દસ્તાવેજ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે જે ઓળખ ઉભી કરી છે, તેને આ નીતિ વધુ મજબૂત બનાવશે. આ પોલિસીમાં ગ્રીન અને સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેસ્ટ વોટર રિસાયક્લિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીનો સમાવેશ થાય છે. આ નવી નીતિ મુખ્યત્વે ચાર મજબૂત આધારસ્તંભો પર આધારિત છે:

૧. ઇન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન

૨. ઇનોવેશન અને રિસર્ચ

૩. સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ

૪. સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ

 

માત્ર યોજના નથી, ૨૦૪૭નું વિઝન છે - હર્ષભાઈ સંઘવી:

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નવી નીતિ માત્ર પ્રોત્સાહનો આપતી સ્કીમ નથી પરંતુ વર્ષ ૨૦૪૭ના વિઝનને સાકાર કરવાનું શક્તિશાળી માધ્યમ છે. આનાથી વિવિધ ક્ષેત્રોમાં ૧૫ થી ૪૫ ટકા સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સ્થાનિક યુવાનોને રોજગારી અપાશે. ગુજરાતે દેશના અન્ય રાજ્યો કરતા વધુ પ્રાધાન્ય સંશોધન અને વિકાસ (R&D) પર આપ્યું છે, જેમાં ઉભરતા ક્ષેત્રો માટે ૫૦ ટકા સુધીના ખાસ ઇન્સેન્ટિવ અપાશે. ગ્રીન એનર્જી, ડ્રોન મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, ફૂટવેર અને ટોય મેન્યુફેક્ચરિંગ જેવા સનરાઇઝિંગ સેક્ટર્સમાં ગુજરાત વૈશ્વિક નેતૃત્વ લેશે. દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૨૦ વર્ષ પહેલાં ૬.૨% હતો, જે આજે વધીને ૮.૨% થયો છે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં તેને ૧૦% સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે તેમ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ઉમેર્યું હતું.

 

૨૧ હાઈ-ગ્રોથ થ્રસ્ટ સેક્ટર્સની ઓળખ:

ઔદ્યોગિક વિસ્તરણના આગામી મોજાને લાવવા માટે આ નીતિ હેઠળ ૨૧ મહત્વપૂર્ણ ક્ષેત્રો નક્કી કરાયા છે:

ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, મોબિલિટી, કેપિટલ ઇક્વિપમેન્ટ, ટેક્સટાઇલ્સ અને એપેરલ્સ, સસ્ટેનેબીલીટી, કેમિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, હેલ્થકેર, ક્રિટિકલ મિનરલ્સ પ્રોસેસિંગ, એંસીલરી યુનિટ્સ ઓફ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, વેહિકલ સ્ક્રેપિંગ ફેસિલિટીઝ, ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ રિસાયકલિંગ, ટેક્સટાઇલ વેસ્ટ રિસાયકલિંગ, મેન્યુફેક્ચરિંગ ઓફ શિપિંગ કન્ટેનર, હેવી અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ, સ્પોર્ટ્સ ગુડ્સ, ટોય્ઝ, ફૂટવેર, રોબોટ્સ અને ડ્રોન્સ.

 

“ચૂઝ યોર ઇન્સેન્ટિવ” જેવી અનોખી પહેલ અને લવચીક માળખું:

રોકાણકારોને બિઝનેસ કરવામાં વધુ સરળતા આપવા માટે ભારતમાં સૌપ્રથમ વાર “ચૂઝ યોર ઇન્સેન્ટિવ” (Choose Your Incentive) ફ્રેમવર્ક રજૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રોકાણકારો પોતાની જરૂરિયાત અને વ્યવસાયની સદ્ધરતા મુજબ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અથવા પાવર ટેરિફ રિઇમ્બર્સમેન્ટનું અનુકૂળ સંયોજન પસંદ કરી શકશે.

  MSME ક્ષેત્ર માટે પ્રોત્સાહનો: તાલુકા કેટેગરી મુજબ, કેટેગરી-A અને B ના આધારે સૂક્ષ્મ ઉદ્યોગોને ૨૫% થી ૩૫% કેપિટલ સબસિડી ૧ વર્ષમાં અને નાના-મધ્યમ ઉદ્યોગોને ૫ વર્ષમાં ચૂકવાશે. આ ઉપરાંત ૫ વર્ષ માટે ટર્મ લોન પર ૭% વ્યાજ સબસિડી અને પ્રતિ યુનિટ ૧ થી ૨ રૂપિયા સુધીની પાવર ટેરિફ સહાય મળશે.

  મોટા ઉદ્યોગો (રોકાણ > INR ૧૨૫ કરોડ): થ્રસ્ટ સેક્ટરના મોટા એકમોને તાલુકાના આધારે ૧૫% થી ૨૫% કેપિટલ સબસિડી, ૮ વર્ષ સુધી ૭% વ્યાજ સબસિડી અને પ્રતિ યુનિટ ૧ થી ૨ રૂપિયા પાવર ટેરિફ રિઇમ્બર્સમેન્ટ અપાશે. સામાન્ય ક્ષેત્રના મોટા એકમો માટે આ પ્રોત્સાહન ૧૦ વર્ષના ગાળા માટે ૧૦% થી ૧૫% સુધી રહેશે.

  મેગા અને અલ્ટ્રા મેગા ઇન્ડસ્ટ્રીઝ: ૧,૦૦૦ કરોડનું રોકાણ અને ૨૫૦ રોજગારી ધરાવતા મેગા યુનિટ્સને ૧૦ વર્ષ માટે ૩૦% થી ૩૫% પ્રોત્સાહનોનું પેકેજ મળશે. ૧૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ અને ૩,૦૦૦ રોજગારી ધરાવતા અલ્ટ્રા મેગા યુનિટ્સને ૧૨ વર્ષના ગાળા માટે ૩૫% થી ૪૦% સુધીના વિશેષ પ્રોત્સાહનો અપાશે.

  ચોક્કસ પ્રાથમિક ક્ષેત્રો (ટોય્ઝ, ડ્રોન, રોબોટ્સ, ફૂટવેર, સ્પોર્ટ્સ ગુડ્સ): આ રોજગાર-સઘન ક્ષેત્રો માટે તમામ કદના એકમોને ૪૫% થી ૫૦% સુધીનું મહત્તમ રોકાણ પ્રોત્સાહન પેકેજ તાલુકા કેટેગરીના આધારે આપવામાં આવશે.

 

સંશોધન-ઇનોવેશન માટે ખાસ 'અર્લી બર્ડ ઇન્સેન્ટિવ્સ' અને 'રિસર્ચ પાર્ક':

ગુજરાતને R&D માટે વૈશ્વિક હબ બનાવવા ઓછામાં ઓછા ૩૦૦ કરોડના રોકાણવાળા પ્રથમ ૫ સેન્ટર્સ માટે 'Early Bird Incentives' ની જોગવાઈ છે. જેમાં વાર્ષિક ૫૦ કરોડ સુધીની ૫૦% કેપિટલ સબસિડી, જમીન કિંમતના ૨૫% ની ભરપાઈ, પાવર ટેરિફ, પેરોલ સબસિડી અને ૧૦ વર્ષ માટે આઈપીઆર/પેટન્ટ સપોર્ટ અપાશે. આ ઉપરાંત, જીઆઈડીસી દ્વારા તમામ આધુનિક લેબોરેટરીઝ ધરાવતો 'ગુજરાત રિસર્ચ એન્ડ ઈનોવેશન પાર્ક' સ્થાપવામાં આવશે.

 

સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોનું સશક્તિકરણ:

  સ્ટાર્ટઅપ્સ સહાય: હાઇ-ટેક, ગ્રીન અને ફિનટેક સ્ટાર્ટઅપ્સને ૨ વર્ષ માટે તેમજ અન્યોને ૨૫,૦૦૦ રૂપિયા માસિક નિર્વાહ ભથ્થું (મહિલા સહ-સ્થાપક હોય તો ૩૦,૦૦૦ રૂપિયા) અપાશે. આ ઉપરાંત ૩૦ લાખ સુધીની સીડ સપોર્ટ સહાય અને સામાજિક કે હાઇ-ટેક ઈમ્પેક્ટ માટે વધારાના ૧૦-૧૦ લાખ રૂપિયા અપાશે.

  મહિલા ઉદ્યોગસાહસિકો: ૧૦૦% મહિલા માલિકીના સૂક્ષ્મ સાહસોને વધારાની ૧% વ્યાજ સબસિડી, ૫ વર્ષ માટે વાર્ષિક ૩ લાખ સુધીના ભાડામાં ૭૫% સહાય અને કારકિર્દી વિરામ લેનારી મહિલાઓ માટે સીઈડી (CED) દ્વારા 'રિટર્ન ટુ ઈન્ડસ્ટ્રી એક્સિલરેટર' સ્કિલ રિફ્રેશર કોર્સ ચલાવાશે.

 

પ્રદૂષણ નિયંત્રણ અને ગ્રીન ઔદ્યોગિક વિકાસ માટે મોટી સહાય:

પર્યાવરણની સુરક્ષા માટે કોમન એન્વાયરમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આર્થિક જોગવાઈ કરાઈ છે. ૭૦% વેસ્ટવોટર રિસાયક્લિંગ કરતા પ્રોજેક્ટ્સને ૭૫ કરોડ સુધીની ૫૦% સહાય અને અન્ય વેસ્ટવોટર પ્રોજેક્ટ માટે ૫૦ કરોડ સુધી ૪૦% સહાય અપાશે. કોમન બોઈલર પ્રોજેક્ટ માટે ૩૦ કરોડ સુધીની ૪૦% સહાય તેમજ ક્લીનર પ્રોડક્શન ટેક્નોલોજી અપનાવવા માટે એમએસએમઈને ૧ કરોડ અને મોટા એકમોને ૨ કરોડ સુધીની સહાય મળશે. ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સેટઅપ માટે ૫ કરોડથી ૭.૫ કરોડ પ્રતિ એમએલડી સુધીની સહાય જાહેર કરાઈ છે.

 

પ્રોજેક્ટ T.H.R.I.V.E. અને લેબર વેલ્ફેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર:

શહેરોની ભીડ ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે ઉદ્યોગોને શહેરી વિસ્તારોમાંથી નિયુક્ત ઔદ્યોગિક પાર્કમાં સ્થાનાંતરિત કરવા પ્રોજેક્ટ T.H.R.I.V.E. લાવવામાં આવ્યો છે. આ અંતર્ગત પુનઃસ્થાપિત એકમોને સંપૂર્ણ 'નવા એકમો' ગણી તમામ લાભો અપાશે, તેમજ કર્મચારીઓ માટે ૬ મહિના સુધી દર મહિને ૫,૦૦૦ રૂપિયા વેતન સહાય અપાશે. ઉદ્યોગો કે ખાનગી પાર્ક દ્વારા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્કર હાઉસિંગ, ડોર્મિટરી અને વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા માટે ૪૦ કરોડ સુધીની મર્યાદામાં ૪૦% થી ૮૦% સુધીનો કેપિટલ સપોર્ટ અપાશે.

 

ભાવિ-તૈયાર વર્કફોર્સનું નિર્માણ:

ઉદ્યોગોને ઇન્ડસ્ટ્રી ૪.૦ અને ગ્રીન ટેકનોલોજી માટે કુશળ માનવબળ મળી રહે તે માટે એન્કર ઇન્સ્ટિટ્યુટ્સને મશીનરી અને ઓપરેશનલ ખર્ચ માટે ૧૦-૧૦ કરોડ સુધીની ૧૦૦% સહાય, સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ સેન્ટર્સને ૧૦ કરોડ સુધીની ૭૫% સહાય અને કેપ્ટિવ સ્કિલ સેન્ટર્સને ૧૦ કરોડ સુધીની ૫૦% ખર્ચ સહાય આપવાનું નક્કી કરાયું છે. ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ પોલિસી અંગેનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરીને આ નીતિને ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિનું નવું પ્રકરણ ગણાવ્યું હતું.

(6:58 PM IST)