<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

રાજ્યની તમામ મનપામાં આગામી સપ્તાહમાં વિવિધ પેટા કમિટીઓની સત્તાવાર રચના કરી દેવામાં આવશે.

આ નિર્ણયથી પાયાના અને સિનિયર કોર્પોરેટરોને પદ મળતાં સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વધુ વેગ મળશે અને જનપ્રતિનિધિઓનો ઉત્સાહ પણ બેવડાશે

અમદાવાદ :રાજ્યની મહાનગરપાલિકાઓમાં છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે પેટા કમિટીઓની રચનાનો માર્ગ આખરે સાફ થઈ ગયો છે. મળતી સચોટ માહિતી અનુસાર, આગામી એક જ સપ્તાહની અંદર દરેક કોર્પોરેશનમાં વિવિધ પેટા કમિટીઓની સત્તાવાર રચના કરી દેવામાં આવશે.

સામાન્ય રીતે કોર્પોરેશનની ટર્મ શરૂ થયા બાદ અથવા શાસન વ્યવસ્થા ગોઠવાયા પછી કમિટીઓની રચના ઝડપથી થતી હોય છે. પરંતુ, આ વખતે અગમ્ય કારણોસર કમિટીની રચના કરવામાં મોટો વિલંબ જોવા મળ્યો છે. છેલ્લા 20થી 25 દિવસથી કોર્પોરેશનના વહીવટી વર્તુળો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પેટા કમિટીઓની નિમણૂકને લઈને ભારે રાહ જોવાઈ રહી હતી. વિલંબના કારણે કેટલાય નીતિવિષયક નિર્ણયો અટકેલા હતા, પરંતુ હવે આ પ્રતીક્ષાનો અંત આવી ગયો છે. હવે ખૂબ જ ઝડપથી તમામ શહેરોમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

 

આ વહીવટી પ્રક્રિયા અંતર્ગત રાજ્યના મુખ્ય 6 મહાનગરોમાં તાત્કાલિક ધોરણે પેટા કમિટીઓમાં નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત, તાજેતરમાં જાહેર થયેલી કે અગાઉની અન્ય 9 મહાનગરપાલિકાઓમાં પણ કમિટીઓની રચનાની કવાયત હાથ ધરી દેવાઈ છે. આમ, સમગ્ર ગુજરાતના નાના-મોટા તમામ કોર્પોરેશન વિસ્તારોમાં સમાંતર રીતે આ કામગીરી આટોપી લેવામાં આવશે.

આ કમિટીઓની રચનાની સૌથી મોટી વિશેષતા એ છે કે, દરેક શહેરમાં અનેક સ્થાનિક કોર્પોરેટરોને આ પેટા કમિટીઓમાં સ્થાન મળવા જઈ રહ્યું છે. કોર્પોરેશનમાં ડ્રેનેજ, વૉટર પ્રોજેક્ટ, ટાઉન પ્લાનિંગ, હેલ્થ, લાઈટ અને કલ્ચરલ જેવી મહત્વની પેટા કમિટીઓ હોય છે, જેમાં પદ મેળવવા માટે ભારે લોબિંગ ચાલતું હોય છે. આ નિર્ણયથી પાયાના અને સિનિયર કોર્પોરેટરોને પદ મળતાં સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વધુ વેગ મળશે અને જનપ્રતિનિધિઓનો ઉત્સાહ પણ બેવડાશે. આગામી થોડા દિવસોમાં પક્ષના મોવડી મંડળ અને સ્થાનિક સંગઠન દ્વારા નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે, જેના પર અત્યારે આખરી ઓપ અપાઈ રહ્યો છે.

(8:17 PM IST)