તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
ધોળકા તાલુકાના કોઠમાં ચાર અજાણ્યા હથિયારધારી લૂંટારુઓએ ઘરને નિશાન બનાવ્યું :દંપતીને બંધક બનાવી 2.11 લાખની મતાની લૂંટ ચલાવી
દંપતીને બંધક બનાવ્યા બાદ લૂંટારુઓએ આખા ઘરમાં કિંમતી સામાનની શોધખોળ આદરી:ઘરમાંથી દંપતિના મોંઘાદાટ સ્માર્ટફોન, સોના-ચાંદીના કિંમતી દાગીના અને ઘરમાં રાખેલી રોકડ રકમ સહિત કુલ રૂ. 2,11,000ની મતા લૂંટીને ફરાર થઈ ગયા

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા કોઠ ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. અહીં રાત્રિના અંધકારનો લાભ લઈને આવેલા ચાર અજાણ્યા હથિયારધારી લૂંટારુઓએ એક ઘરને નિશાન બનાવ્યું હતું. લૂંટારુઓએ ઘરમાં રહેતા દંપતિને છરીની અણીએ બંધક બનાવી, આખા ઘરને બાનમાં લઈ અંદાજે રૂપિયા 2.11 લાખની મતાની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે જ્યારે દંપતિ ઘરમાં હાજર હતું, ત્યારે મોં પર મંકીકેપ (ટોપી) પહેરેલા ચાર અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓ ઘરમાં ઘૂસતાની સાથે જ આક્રમક થઈ ગયા હતા અને દંપતિ પર તીક્ષ્ણ છરીઓ ઉગામી દીધી હતી. જીવના જોખમે દંપતી અસહાય બની ગયું હતું. લૂંટારુઓએ દંપતિને એક જગ્યાએ બંધક બનાવી દીધા હતા જેથી તેઓ કોઈ પ્રતિકાર કે બૂમાબૂમ ન કરી શકે.
દંપતીને બંધક બનાવ્યા બાદ લૂંટારુઓએ શાંતિથી આખા ઘરમાં કિંમતી સામાનની શોધખોળ આદરી હતી. તેઓ ઘરમાંથી દંપતિના મોંઘાદાટ સ્માર્ટફોન, સોના-ચાંદીના કિંમતી દાગીના અને ઘરમાં રાખેલી રોકડ રકમ સહિત કુલ રૂ. 2,11,000ની મતા લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ એટલા શાતિર હતા કે દંપતિ બહાર ન આવી શકે અને પોલીસને તુરંત જાણ ન થાય તે માટે ફોન પણ સાથે લેતા ગયા હતા.
લૂંટારુઓ ભલે મંકીકેપ પહેરીને આવ્યા હોય, પરંતુ તેમની તમામ હરકતો ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં ચારેય શખ્સો હાથમાં હથિયાર સાથે અને મોં ઢાંકેલી હાલતમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ભોગ બનનાર દંપતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે કોઠ ગામ સહિત સમગ્ર ધોળકા પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
