<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

સુરત એરપોર્ટ પર દુબઈથી આવેલી ફ્લાઈટમાં સોનાની દાણચોરી: સીટ નીચેથી લાવારીશ હાલતમાં મળ્યું 36 લાખનું 238 ગ્રામ સોનુ

પેસેન્જર સીટ નંબર 21B પાસે લાવારિસ હાલતમાં પડેલો કાળો વેલ્વેટ પાઉચમાંથી ચાંદીના દેખાતા કડા પર અસલી સોનાનું કોટિંગ કરેલ સોનુ મળ્યું

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી (ગોલ્ડ સ્મગલિંગ) નો મોટો મામલો સામે આવ્યો છે. દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ ગુપ્ત બાતમીના આધારે ચેકિંગ હાથ ધરીને આશરે રૂ.36.89 લાખની કિંમતનું શુદ્ધ સોનું જપ્ત કર્યું છે. દાણચોરોએ કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાને ફ્લાઈટમાં જ બિનવારસી હાલતમાં છોડી દીધું હતું.

દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-274 એરપોર્ટ પર લેન્ડ થયા બાદ કસ્ટમ્સ વિભાગની ટીમે વિમાનની અંદર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ફ્લાઈટની સીટ નંબર 21B પાસે તપાસ કરતા ત્યાંથી એક શંકાસ્પદ કાળા રંગનું મખમલી પાઉચ બિનવારસી (લાવારિસ) હાલતમાં મળી આવ્યું હતું. આ પાઉચ ખોલીને જોતા તેમાંથી ચાંદી જેવા દેખાતા કડા મળી આવ્યા હતા. જો કે, અધિકારીઓએ તેની બારીકાઈથી તપાસ કરતા આ ચાંદીના દેખાતા કડા પર અસલી સોનાનું કોટિંગ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.

કસ્ટમ્સ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલું આ સોનું 238 ગ્રામ વજનનું અને 24 કેરેટની શુદ્ધતા ધરાવતું મોંઘું સોનું છે, જેની ભારતીય બજારમાં અંદાજિત કિંમત રૂ.36,89,000 જેટલી થવા જાય છે. કસ્ટમ્સ વિભાગે આ તમામ સોનાનો જથ્થો 'કસ્ટમ્સ એક્ટ, 1962' હેઠળ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સોનું કોણ લાવ્યું હતું અને સુરત એરપોર્ટ પર કોને ડિલિવરી આપવાનું હતું, તે દિશામાં ફ્લાઈટના પેસેન્જર લિસ્ટ અને સીટ નંબર 21B પર મુસાફરી કરનાર વ્યક્તિની વિગતો મેળવીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(10:55 PM IST)