<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

પત્‍નીએ પ્રેમી સાથે મળી પતિને બિલ્‍ડિંગ પરથી ફેંક્‍યો બાદમાં બ્‍લેડથી ગળું કાપ્‍યું

શરૂઆતમાં અકસ્‍માત લાગતી ઘટનાનો અંતે પ્રેમ સંબંધ, દામ્‍પત્‍ય કલહ અને પૂર્વ આયોજિત હત્‍યા સુધી પહોંચેલો આ કેસ સુરતમાં ચર્ચાનો વિષય બન્‍યો

સુરત,તા.૧૬: સુરતના વેડ રોડ વિસ્‍તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં થોડા દિવસો પહેલાં અકસ્‍માત તરીકે સામે આવેલી એક વ્‍યક્‍તિના મોતની ઘટનામાં ચોકબજાર પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં બિલ્‍ડિંગ પરથી પડી જવાથી થયેલા અકસ્‍માત મૃત્‍યુ તરીકે નોંધાયેલી આ ઘટનામાં પોલીસે તપાસ દરમિયાન હત્‍યાનો ભેદ ઉકેલી મૃતકની પત્‍ની અને તેના પ્રેમી વિરુદ્ધ હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી મુજબ, સુરતમાં વેડ રોડના પંડોળ વિસ્‍તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં રહેતા જન્‍મજયકુમાર તીર્થ રાય (ઉ.વ. ૪૨)નું ગત ૮ જૂનના રોજ વહેલી સવારે શંકાસ્‍પદ સંજોગોમાં મોત થયું હતું. મૃતક મૂળ ઝારખંડ રાજ્‍યનો રહેવાસી હતો અને સુરતમાં પરિવાર સાથે રહેતો હતો. ઘટનાના દિવસે મૃતકની પત્‍ની ચાંદનીકુમારી જન્‍મજયકુમાર રાય (ઉ.વ. ૩૨) એ પોલીસને જાણ કરી હતી કે તેના પતિ બિલ્‍ડિંગ પરથી પડી જતા ઇજાગ્રસ્‍ત થયા હતા અને તેમનું મોત થયું હતું. આ આધારે પોલીસે અકસ્‍માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્‍યું હતું. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ અને તેનાથી થયેલા રક્‍તષાવ ઉપરાંત મગજમાં આંતરિક રક્‍તષાવના કારણે મોત થયું હોવાનું સામે આવ્‍યું હતું. આ હકીકત બાદ પોલીસને સમગ્ર ઘટનામાં શંકા જતાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચોકબજાર પોલીસ દ્વારા ઘટનાસ્‍થળ તેમજ આસપાસના વિસ્‍તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્‍યા હતા. ફૂટેજમાં એક અજાણ્‍યા વ્‍યક્‍તિની હિલચાલ શંકાસ્‍પદ જણાતા તપાસનો દોર મૃતકની પત્‍ની તરફ વળ્‍યો હતો. ત્‍યારબાદ પોલીસે ચાંદનીકુમારીની સઘન પૂછપરછ કરતાં સમગ્ર હત્‍યાકાંડનો પર્દાફાશ થયો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્‍યું કે, ચાંદનીકુમારીનો શુલભસિહ બંમબહાદુર સિહ (ઉ.વ. ૨૮) નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. શુલભસિહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરતો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્‍યું કે મૃતક જન્‍મજયકુમાર અને તેની પત્‍ની વચ્‍ચે અવારનવાર ઝઘડા થતા હતા. પત્‍નીએ આરોપ મૂક્‍યો હતો કે તેનો પતિ તેને મારઝૂડ કરતો હતો. આ કારણોસર તેણીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્‍તામાંથી હટાવવાનો પ્‍લાન બનાવ્‍યો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ૭ જૂનની મધરાત બાદ જ્‍યારે જન્‍મજયકુમાર ઘરમાં ગાઢ નિદ્રામાં સૂતા હતા ત્‍યારે ચાંદનીકુમારીએ પોતાના પ્રેમી શુલભસિહને ફોન કરીને ઘરે બોલાવ્‍યો હતો. પ્રેમી ઘેર પહોંચ્‍યા બાદ બંનેએ મળીને ઘોર નિદ્રામાં સૂતેલા જન્‍મજયકુમારને બિલ્‍ડિંગ પરથી નીચે ફેંકી દીધા હતા. જોકે નીચે પડ્‍યા બાદ પણ જન્‍મજયકુમાર જીવિત હોવાનું જણાયું હતું.

આ દરમિયાન કાવતરાખોર પ્રેમી શુલભસિહ નીચે ઉતરી ગયો હતો અને પોતાની સાથે લાવેલી ધાગા કટિગ માટે વપરાતી બ્‍લેડ વડે જન્‍મજયકુમારના ગળાના ભાગે ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાઓ અને વધુ રક્‍તષાવના કારણે જન્‍મજયકુમારનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. ત્‍યાર બાદ સમગ્ર ઘટનાને અકસ્‍માતનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

પરંતુ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ, ટેકનિકલ પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ચોકબજાર પોલીસે સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્‍યો હતો. આ મામલે પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર જે.આર. તિવારીએ ફરિયાદી બની ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૬૧(૨), ૫૪ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્‍યો છે. પોલીસે તપાસ દરમિયાન આરોપી શુલભસિહ બંમબહાદુરસિહને ફૂલવાડી વિસ્‍તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્‍યારે પત્‍ની ચાંદનીકુમારી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

હાલ આ સમગ્ર ઘટનાએ રહેમતનગર સહિત વેડ રોડ વિસ્‍તારમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ હવે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને હત્‍યાના કાવતરાને લગતા અન્‍ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ રાખી છે. શરૂઆતમાં અકસ્‍માત લાગતી ઘટનાનો અંતે પ્રેમ સંબંધ, દામ્‍પત્‍ય કલહ અને પૂર્વ આયોજિત હત્‍યા સુધી પહોંચેલો આ કેસ શહેરમાં ચર્ચાનો વિષય બન્‍યો છે

(10:27 AM IST)