News of Tuesday, 16th June 2026
સુરતમાં ‘ઓપરેશન મિડનાઇટ’નો પોલીસનો મેગા સપાટો
પાંડેસરા-ઉધનામાં ડ્રોન સર્વેલન્સ સાથે કોમ્બિંગ, 9 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા મોડી રાત્રે ‘ઓપરેશન મિડનાઇટ’ નામનું વિશેષ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાંડેસરા અને ઉધના ઝોનના સંવેદનશીલ વિસ્તારોમાં ચલાવવામાં આવેલા આ અભિયાન દરમિયાન ડ્રોન કેમેરાની મદદથી હવાઈ નજર રાખી સઘન સર્ચ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન પોલીસે 9 વર્ષથી કાયદાની પકડથી દૂર રહેલા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
સંયુક્ત પોલીસ કમિશનર ડો. કરણરાજ વાઘેલા, નાયબ પોલીસ કમિશનર રોજીયા અને મદદનીશ પોલીસ કમિશનર કિરણ મોદીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો તથા સ્થાનિક પોલીસ સ્ટાફે મોડી રાત્રે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારો, હોટલો, શંકાસ્પદ સ્થળો અને વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. આકસ્મિક કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ઓપરેશન દરમિયાન ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. ડ્રોન મારફતે વિસ્તારની હલચલનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવતા શંકાસ્પદ વ્યક્તિઓ પર સતત નજર રાખી શકાય હતી. પોલીસના જણાવ્યા મુજબ આ પદ્ધતિથી ગુનેગારોને ભાગી છૂટવાની તક મળી નહોતી.
ઓપરેશન દરમિયાન પોલીસે રાહુલ રાજાભાઈ યાદવ નામના આરોપીની ધરપકડ કરી હતી. તે મૂળ વલસાડ જિલ્લાના ગુંદલાવ વિસ્તારનો રહેવાસી છે અને વર્ષ 2018માં સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઓપરેશન દરમિયાન પોલીસે અનેક વાહનોની તપાસ કરી હતી. વાહનચાલકોના દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ ચકાસી પૂછપરછ કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ કાયદા ભંગની શંકા ધરાવતા લોકોને ચેતવણી પણ આપવામાં આવી હતી.
પોલીસે હોટલો, લોજ અને ભાડે રહેતા લોકોની વિગતોની પણ ચકાસણી કરી હતી. ઓળખપત્ર વિના રહેતા લોકો તેમજ શંકાસ્પદ હિલચાલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે આવા સ્થળોનો ઉપયોગ ગુનેગારો છુપાવા માટે કરતા હોય છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ગુનાખોરી ઘટાડવા, ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને અસામાજિક તત્વો પર અંકુશ લાવવા માટે આવનારા દિવસોમાં પણ આવા મેગા કોમ્બિંગ ઓપરેશનો હાથ ધરવામાં આવશે. આધુનિક ટેક્નોલોજી, ડ્રોન સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સના આધારે સુરતને વધુ સુરક્ષિત અને ભયમુક્ત બનાવવાનો પોલીસ તંત્રનો પ્રયાસ યથાવત રહેશે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના ‘ઓપરેશન મિડનાઇટ’ માત્ર એક કોમ્બિંગ ડ્રાઇવ નહીં પરંતુ ગુનેગારો માટે સ્પષ્ટ સંદેશ છે કે સુરત પોલીસ હવે ટેક્નોલોજી અને કડક અમલવારીના સહારે શહેરમાં કાયદાનું શાસન વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. ડ્રોન સર્વેલન્સ અને સતત મોનિટરિંગથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધુ અસરકારક બની છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
