<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વિકસિત અને તંદુરસ્ત ભારતના નિર્માણ માટે ગુજરાતમાં Td અને DPT રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરની પી.એમ. શ્રી બોરીજ શાળા ખાતેથી અભિયાનનો પ્રારંભ: વર્ષ ૨૦૪૭ સુધીમાં 'શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત, સાંસ્કૃતિક ભારત અને ગુણિયલ ભારત'ના નિર્માણ માટે એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહેવું જોઈએ: પ્રફુલભાઈ પાનસેરીયા

ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત પી.એમ. શ્રી બોરીજ સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં ‘Td અને DPT - ત્રિગુણી રસીકરણ અભિયાન-૨૦૨૬’નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ધોરણ ૫ અને ૧૦ ના વિદ્યાર્થીઓ તેમજ ૫ વર્ષ પૂર્ણ કરનારાં બાળકોને રસી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં જે 'શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત, સાંસ્કૃતિક ભારત અને ગુણિયલ ભારત'ના નિર્માણનું સ્વપ્ન જોયું છે. જેની પ્રથમ શરત અને પાયો આપણા તંદુરસ્ત નાગરિકો છે.
આ માટે રાજ્ય સરકાર જન-જનના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે અને માતાનું આરોગ્ય શ્રેષ્ઠ રહે તે માટે આપણું આરોગ્ય તંત્ર અભિયાન સ્વરૂપે એક-એક ઘર અને શાળા તપાસીને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે.
આરોગ્ય મંત્રીએ પોતાના બાળપણની સ્મૃતિઓ વાગોળતાં બાળકોમાં રસીકરણનું મહત્ત્વ સમજાવતા ઉમેર્યું કે પહેલાંના સમયમાં રસી શોધાયા પછી ભારતમાં પહોંચતા વર્ષો નીકળી જતા હતા. જેના કારણે લાખો બાળકો પોલિયો જેવા રોગોનો ભોગ બનીને આજીવન દિવ્યાંગતા સહન કરવા મજબૂર બનતા હતા.
પરંતુ, આજે ગ્લોબલાઇઝેશનના યુગમાં વૈશ્વિક સંશોધનો ત્વરિત ભારતમાં ઉપલબ્ધ બને છે. વર્ષ ૨૦૦૭માં પોલિયોનો છેલ્લો કેસ નોંધાયા બાદ શાળાઓ, શિક્ષકો, મીડિયા અને NGOના સંયુક્ત પ્રયાસોથી આપણે પોલિયોને નાબૂદ કરી શક્યા છીએ.
તેમણે ગર્વભેર ઉમેર્યું કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં શરૂ કરાયેલા ૧૪ થી ૧૫ વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં 'નંબર વન' રહ્યું છે. રાજ્યની સાડા પાંચ લાખથી વધુ દીકરીઓને આ રસી આપીને ભવિષ્યના કેન્સરના જોખમ સામે સુરક્ષિત કરાઈ છે.
તેમણે બાળકોને જંક ફૂડ ત્યાગીને માતાના હાથનો પૌષ્ટિક આહાર લેવા તથા જમતાં પહેલાં સાબુથી હાથ ધોવાની તંદુરસ્ત આદતો કેળવવા અપીલ કરી હતી. ગુજરાતમાં આ રસીકરણ અભિયાન પૂર્ણ થાય ત્યાં સુધી એક પણ બાળક બાકી ન રહે તે માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે અને આ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં શિક્ષણ સંસ્થાઓ, શિક્ષકો, મીડિયા અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસોની સરાહના પણ કરી હતી.
આ અવસરે આરોગ્ય કમિશનર શ્રીમતી રતનકંવર ગઢવી ચારણે સૌનું સ્વાગત કરી, રસીકરણનું મહત્ત્વ સમજાવ્યું હતું અને ઉપસ્થિત માતાપિતાને તેમના બાળકને આ રસી અચૂક અપાવવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને ૧૧ જેટલા ઘાતક રોગોથી સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી ત્રિગુણી રસી અભિયાનમો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત, રાજ્યની ૪૮,૨૯૫ શાળાઓમાં અંદાજિત ૧૮.૭૫ લાખ બાળકોને આવરી લેવા માટે ૪૮,૫૨૯ Td રસીકરણ સેશન આયોજિત કરવામાં આવશે. જેના માટે ૯૯૨ RBSK -રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમો કાર્યરત કરાઈ છે.
રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક મુજબ ૫ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને DPT - ત્રિગુણી બુસ્ટર રસીનો બીજો ડોઝ આપવામાં આવે છે. આ અંતર્ગત રાજ્યની ૩૮,૭૯૪ બાળવાટિકાઓના અંદાજિત ૫.૮૯ લાખ બાળકોને સુરક્ષિત કરવા માટે ૩૫,૮૧૯ રસીકરણ સેશન્સ યોજાશે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મનપા કમિશનર જે.એસ. પ્રજાપતિ સહિત આરોગ્ય અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(1:38 PM IST)