તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગંભીર લાપરવાહી :જાહેર રોડના કિનારે બાયો મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયા : રહીશોમાં રોષ અને ભયનો માહોલ
કોરોનાકાળ પછી પણ આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું

વડોદરાના પ્રગતિશીલ વિસ્તાર ગણાતા ગોત્રીમાં એક ચોંકાવનારી અને ગંભીર લાપરવાઈ સામે આવી છે. અહીંના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં જાહેર રોડના કિનારે મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ પછી પણ આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જાહેર માર્ગ પર ફેંકાયેલા આ મેડિકલ વેસ્ટમાં મોટી માત્રામાં વપરાયેલા ઇન્જેક્શન, સિરીંજ અને વિવિધ દવાઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે મળી આવેલી દવાઓ અને ઇન્જેક્શનની સામગ્રી એક્સપાયરી ડેટ વગરની છે. આ ઘટના પાછળ કોઈ નજીકની ખાનગી હોસ્પિટલની લાપરવાઈ છે કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પોતાના કાળા કારનામાના પુરાવા છુપાવવા માટે આ કરતૂત કરી છે, તે હાલ એક મોટો રહસ્યનો વિષય બન્યો છે.
ચોમાસાની નજીકના સમયમાં આ પ્રકારે ખુલ્લામાં તબીબી કચરો ફેંકવાને કારણે વિસ્તારમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોને પાકો ભય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા અનેક મેડિકલ સ્ટોર્સ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. આમ છતાં, અસામાજિક અને બેદરકાર તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિક રહીશો હવે એ વાત પર નજર રાખીને બેઠા છે કે જાહેર આરોગ્ય સાથે આવા ગંભીર ચેડાં કરનારા જવાબદારો સામે આરોગ્ય વિભાગ કેવા ઉદાહરણરૂપ કડક પગલાં ભરે છે. શું ખરેખર દોષિતોને જેલ ભેગા કરવામાં આવશે કે પછી દર વખતની જેમ આ મામલાને પણ પડદો પાડીને રફે-દફે કરી દેવામાં આવશે? તે જોવાનું રહ્યું.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
