News of Tuesday, 16th June 2026
ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા : 20 જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ખાબકશે
20 મી જૂન સુધીમાં રાજ્યમાં ભારે આંધી-વંટોળ અને તેજ ગતિના પવન સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ અસહ્ય બફારા અને તેજ પવન વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે વરસાદની મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં હાલ પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં જ હવામાનમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 20 મી જૂન સુધીમાં રાજ્યમાં ભારે આંધી-વંટોળ અને તેજ ગતિના પવન સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ, 22-23 જૂનથી પવનની ગતિ થોડી ઘટશે અને રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસુ વરસાદની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને 27-28-29 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, પૂર્વ આફ્રિકા અને ઇન્ડોનેશિયાના હવામાન આંક વચ્ચે જો ૩ ડિગ્રીનો તફાવત સર્જાશે, તો ઘણો સારો વરસાદ આવી શકે છે. જો કે, આ વખતે વાદળોનો સમૂહ એટલે કે MJO (મેડન-જુલિયન ઓસિલેશન) સક્રિય નથી. આ કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાનુકૂળ તાપમાન હોવા છતાં કોઈ મોટા વાવાઝોડા બન્યા નથી, કારણ કે ઉપલા સ્તરના પવનો પણ હાલ સાનુકૂળ નથી.
ચોમાસાના ઉત્તરાર્ધને લઈને ચિંતાજનક સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે પ્રશાંત મહાસાગરમાં 'અલ નિનો' આકાર લઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં તેનું તાપમાન ૧.૫ ડિગ્રી જેટલું ઊંચું રહેશે. જેની અસલી અને ઘાતક સ્થિતિ સપ્ટેમ્બર મહિનામાં અનુભવાશે. આ અલ નિનોની નકારાત્મક અસર ભારતીય ચોમાસા પર પડશે, જેમાં મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જેથી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ખેડૂતો અને વહીવટી તંત્રએ સાવચેત રહેવું પડશે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
